જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ
ISIના ઈશારે ચાલતા આતંકી મોડ્યુલનો પર્દાફાશ, 9 ઝડપાયા
પંજાબ પોલીસનો મોટો દાવો: ચાર સગીર સહિત નવ આરોપીઓની ધરપકડ, પેટ્રોલ બોમ્બ-પિસ્તોલ જપ્ત, રેલવે ટ્રેક પર કેમેરા લગાવી પાકિસ્તાન સુધી ફૂટેજ પહોંચાડવાનું પણ બહાર આવ્યું
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
પંજાબ પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના કથિત ઈશારે ભારતમાં આતંકવાદી હુમલાનું મોટું કાવતરું ઘડાઈ રહ્યું હોવાનો દાવો કરતાં ચાર સગીર સહિત કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ બે અલગ-અલગ ગેંગમાં સક્રિય હતા અને તેઓ દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન હુમલો કરવાની યોજના સાથે પહોંચ્યા હતા. જોકે સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે તેમનો કથિત પ્લાન નિષ્ફળ ગયો હતો.
અમૃતસર પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરના જણાવ્યા મુજબ, ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી ચાર પેટ્રોલ બોમ્બ, ત્રણ પિસ્તોલ, કારતૂસ, લાઇટર અને અન્ય શંકાસ્પદ સામગ્રી મળી આવી છે. પૂછપરછ દરમિયાન પાકિસ્તાન સ્થિત કથિત હેન્ડલર્સ સાથે સંપર્કમાં હોવાની માહિતી સામે આવી હોવાનું પોલીસનું કહેવું છે. તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશના એક વ્યક્તિ મારફતે હથિયારો અને વિસ્ફોટકો પહોંચાડવાની યોજના પણ ઘડાઈ રહી હતી.
તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ પંજાબમાં રેલવે ટ્રેક નજીક સીસીટીવી કેમેરા લગાવી સંવેદનશીલ વિસ્તારોના ફૂટેજ પાકિસ્તાન સુધી પહોંચાડવાની વ્યવસ્થા ઊભી કરી હતી. આ કેમેરાનો ઉપયોગ માત્ર રેલવે જ નહીં પરંતુ સંભવિત રીતે લશ્કરી હિલચાલ પર નજર રાખવા માટે પણ થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસે આ કેસમાં વંશ કુમાર, સુખમન સિંહ, અનમોલ સિંહ, હરમન સિંહ અને સુખદેવ સિંહ સહિત અનેક આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ચાર સગીરોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કેટલાક આરોપીઓ અગાઉ આર્મ્સ એક્ટના કેસોમાં પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. બે આરોપીઓને જેલમાંથી પ્રોડક્શન વોરંટના આધારે પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ધરપકડ કરાયેલા મોટા ભાગના સગીરો આર્થિક રીતે નબળા પરિવારોના છે અને અભ્યાસ અધૂરો છોડી ચૂક્યા છે. તેમને નાણાંની લાલચ આપી કથિત રીતે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કરવામાં આવ્યા હોવાનું પોલીસનું કહેવું છે. કાચની બોટલોમાં પેટ્રોલ ભરી બોટલ બોમ્બ તૈયાર કરવાની તાલીમ પણ આપવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
હાલ સમગ્ર મામલે વિદેશી ભંડોળ, સ્થાનિક મદદગારો, હથિયારોની સપ્લાય ચેઇન, દિલ્હીમાં સંપર્કો અને ISI સાથેના કથિત સંબંધોની તપાસ વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જોકે આ તમામ આરોપોની અંતિમ સચ્ચાઈ તપાસ પૂર્ણ થયા બાદ અને અદાલતી પ્રક્રિયા દરમિયાન જ સ્પષ્ટ થશે.
શું મળ્યું આરોપીઓ પાસેથી?
4 પેટ્રોલ બોમ્બ
3 પિસ્તોલ
9 કારતૂસ
લાઇટર અને અન્ય સામગ્રી
સીસીટીવી કેમેરા
ચોરાયેલી બાઈક
બે અલગ આતંકી મોડ્યુલનો ખુલાસો
કુલ 9 આરોપીઓ ઝડપાયા
4 સગીર સામેલ
બે અલગ ગેંગ તરીકે કામગીરી
પાકિસ્તાનથી કથિત સૂચનાઓ મળતી હોવાનો પોલીસનો દાવો
જંતર-મંતર સુધી પહોંચ્યો હતો પ્લાન
વિરોધ પ્રદર્શન દરમિયાન હુમલાનું કથિત કાવતરું
સ્થાનિક મદદ મેળવવાના પ્રયાસો
ઉત્તર પ્રદેશથી હથિયારો મેળવવાની યોજના
સુરક્ષા એજન્સીઓની સતર્કતાથી પ્લાન નિષ્ફળ
રેલવે ટ્રેક પર કેમેરાનું રહસ્ય
ટ્રેક પાસે સીસીટીવી લગાવાયા
ફૂટેજ પાકિસ્તાન મોકલાતો હોવાનો આરોપ
લશ્કરી હિલચાલ પર નજર રાખવાની પણ શંકા
સમગ્ર નેટવર્કની તપાસ તેજ
કોણ છે મુખ્ય આરોપીઓ?
સુખમન સિંહ
વંશ કુમાર
અનમોલ સિંહ
હરમન સિંહ
સુખદેવ સિંહ
ચાર સગીરો અલગ કાયદા હેઠળ કસ્ટડીમાં
સગીરોને કેવી રીતે ફસાવાયા?
આર્થિક રીતે નબળા પરિવારોના
ઘણા શાળા છોડીને બેરોજગાર
નાણાંની લાલચ આપ્યાનો પોલીસનો દાવો
બોટલ બોમ્બ બનાવવાની તાલીમ અપાઈ
હવે તપાસ ક્યાં સુધી પહોંચી?
ISI સાથેના કથિત સંપર્કોની તપાસ
વિદેશી ફંડિંગની તપાસ
સ્થાનિક મદદગારોની શોધ
હથિયાર સપ્લાય ચેઇનની તપાસ
દિલ્હી અને પંજાબ વચ્ચેના સમગ્ર નેટવર્કની કડીઓ જોડવાનો પ્રયાસ


