ઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળો, તપાસની માંગ સાથે ફરિયાદ
ચોમાસાના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, તમામ બિલ તાત્કાલિક અટકાવવા ચીફ ઓફિસર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઇ
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટા નગરપાલિકામાં ચાલુ વર્ષ ૨૦૨૬ ના ચોમાસામાં થયેલા રોડ-રસ્તાના કામોમાં આચરાયેલા લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર મામલે તંત્ર ભારે ભીંસમાં મુકાયું છે. સત્તાધારી પક્ષ અને એજન્સીની મિલીભગતથી થયેલા નબળા કામો અંગે વિપક્ષી સદસ્યોએ આક્રમક વલણ અપનાવીને ચીફ ઓફિસર અને પ્રમુખને તમામ બિલો અટકાવી દેવા માટેની વાંધા અરજી આપી છે. કામમાં વપરાયેલ મોરમ, ગ્રીડ અને GSB મટીરીયલ અત્યંત હલકી કક્ષાનું હોવાથી સામાન્ય વરસાદમાં જ રસ્તા ધોવાઈ ગયા છે. આ બાબત થયેલા ભ્રષ્ટાચારની ખુલ્લી ચાડી ખાય છે અને તંત્રની પોલ ખોલી નાખે છે.
આ મામલે તંત્ર પર સીધું અને ભારે દબાણ લાવતા સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા, અનીશ ચણા, લખમણ ભોપાળા, જયદીપ ચંદ્રવાડીયા, ઈમરાનમીયા પીરજાદા, ગુલામહુસેન બુખારી સહિતના નેતાઓએ સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું છે. તેઓએ ઉગ્ર માંગ કરી છે કે જ્યાં સુધી GERI કે GEC જેવી સરકારી લેબોરેટરીમાં મટીરીયલનું ફરજિયાત ટેસ્ટિંગ અને કોર કટીંગ ન થાય, ત્યાં સુધી તમામ રનીંગ અને ફાઇનલ બીલો તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવે. અગાઉ ચૂકવાયેલા બીલોની પણ સત્વરે રિકવરી કરવામાં આવે અને નવો કોઈ ખર્ચ કે ઠરાવ મંજૂર ન કરાય. ભૂતકાળમાં ૨૦૨૫ ના કામોમાં થયેલા કૌભાંડનો મામલો નામદાર હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે, ત્યારે આગામી સમયમાં આ નવો મુદ્દો અને આ ખર્ચ પણ નામદાર હાઈકોર્ટમાં ઉમેરો થવાની પણ પૂરેપૂરી સંભાવના છે.
સત્તાધારી પક્ષ દ્વારા માત્ર પોતાના માનીતા સદસ્યોના જ કામો કરવાની વાલા-દવલાની નીતિથી વિપક્ષ અને પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિકાસના કામોમાં તમામ સદસ્યોને સમાન હક મળવો જોઈએ. વધુમાં, પાલિકા પ્રમુખ દ્વારા સરકારી ગાડીનો ઉપયોગ બેસણામાં જવા, મંદિરે દર્શન કરવા અને અન્ય અંગત કામો માટે બેફામ રીતે થતો હોવાના પુરાવાઓ પણ નાગરિકો દ્વારા સામે લાવવામાં આવ્યા છે. જો રાજકીય દબાણ હેઠળ આવીને બીલો પાસ કરવામાં આવશે, તો જવાબદારો સામે સીધી ફોજદારી અને એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.
સ્થાનિક તંત્ર ભીનું ન સંકેલે તે માટે તમામ બિલો તાત્કાલિક અટકાવી દેવા માટેની આ વાંધા અરજી રાજ્યકક્ષાએ પણ મોકલીને ઉચ્ચ સ્તરીય દબાણ ઉભું કરાયું છે. કૌભાંડની સઘન તપાસ થાય તે હેતુથી ગુજરાત શહેરી વિકાસ વિભાગના સચિવ, રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનર, રાજકોટ કલેક્ટર, એન્ટી કરપ્શન બ્યુરોના નિયામક, વિજિલન્સ કમિશનર અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેનને લેખિત ફરિયાદ કરાઈ છે.
અહીંયા ઉચ્ચ કક્ષાએ થયેલી આ ફરિયાદોને પગલે હવે સ્થાનિક ઉપલેટા નગરપાલિકા તંત્ર માટે તપાસ કર્યા વિના મનસ્વી રીતે બીલો પાસ કરવા અશક્ય બનશે અને જો તેમજ છતાં સત્તા અને પવારના જોરથી કે બહુમતીના જોરે આ બિલ પાસ થશે તો હાઈકોર્ટમાં જે અગાઉનો વર્ષ ૨૦૨૫ નો કેસ ચાલે છે તે કેસમાં આ બાબતનો ઉમેરો કરવાની પણ તૈયાર હોવાનું ફરિયાદ કરનાર સદસ્ય દ્વારા જાણવામાં આવ્યું છે.


