ધોરાજી સરકારી હોસ્પિટલમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો: દૈનિક OPD ૧,૦૦૦ને પાર
દર્દીઓની લાંબી કતારો, પાણીજન્ય રોગોથી કેસમાં ઉછાળો
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજીમાં બેવડી ઋતુના કારણે વાયરલ અને મૌસમી બીમારીઓમાં તીવ્ર વધારો નોંધાયો છે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ભરાવો જોવા મળી રહ્યો છે. હાલ હોસ્પિટલમાં રોજના ૧,૦૦૦થી પણ વધુ દર્દીઓની ઓપીડી (OPD) નોંધાઈ રહી છે. દર્દીઓનો વધારો થતાં કેસ બારી, દવા બારી, લેબોરેટરી ટેસ્ટ અને ડોક્ટર રૂમ બહાર સવારથી જ દર્દીઓ ની લાંબી કતારો થઈ રહી છે.
ધોરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બદલાતા હવામાનને કારણે તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલટી તેમજ ઠંડી-તાઢ જેવા વાયરલ અને પાણીજન્ય રોગોના કેસોમાં ઉછાળો આવ્યો છે. દૂષિત પાણી અને બહારના ખાદ્યપદાર્થોના સેવનથી પણ લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે.
ગયા મહિને ધોરાજી સરકારી હોસ્પિટલમાં ૩૦,૦૦૦થી પણ વધુ દર્દીઓએ સારવાર લીધી હતી, જ્યારે હાલ પણ દરરોજ સવારથી જ લોકો મોટી સંખ્યામાં નિદાન અને સારવાર અર્થે આવી પહોંચે છે.
દર્દીઓની ભારે ભીડ વચ્ચે પણ હોસ્પિટલ તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. અધિક્ષક ડો.જયેશ વેસેટિયન, ડો . રાજ બેરા સહિત ડૉક્ટરોની ટીમ તેમજ સરકારી હોસ્પિટલ ખાતે જરૂરી તમામ દવાઓ, ઈન્જેક્શન અને નિષ્ણાત ડોક્ટરો સહિતનો પૂરતો સ્ટાફ ઉપલબ્ધ છે. સ્થાનિકોની આરોગ્ય સુવિધા જળવાઈ રહે તે માટે ધોરાજી સરકારી હોસ્પિટલનું તંત્ર ખડેપગે સેવા આપી રહ્યું છે.
બેવડી ઋતુમાં આરોગ્ય વિષયક સાવચેતી રાખવા સાથે તબીબો પણ લોકોને ઉકાળેલું પાણી પીવા અને બહારનો ખોરાક ટાળવા સલાહ આપી રહ્યા છે.


