જૂનાગઢમાં વિદ્યાર્થીઓને ફિશીપ વગર અને પરીક્ષા વગર પાસ કરવાનું કારસ્તાન
૨૧ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં ૨૪ લાખની ગેરરીતિ : એક શખ્સની ધરપકડ
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના વિદ્યાર્થીઓ માટેની સરકારી શિષ્યવૃત્તિમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, જૂનાગઢ પોલીસે વિદ્યાર્થીઓને ફ્રીશિપ અને વગર પરીક્ષાએ પાસ કરાવવાની લાલચ આપી લાખો રૂપિયાની ઉચાપત કરનાર મુખ્ય આરોપી દર્શન મેસવાણીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં ગરીબ અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓને લક્ષ્ય બનાવી આચરવામાં આવતા સ્કોલરશીપ કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપી દર્શન મેસવાણીયા નામના શખ્સે વિદ્યાર્થીઓને પોતાની જાળમાં ફસાવીને સરકારી સહાયની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કૌભાંડીએ 21 જેટલા વિદ્યાર્થીઓની 24 લાખ રૂપિયાથી વધુની શિષ્યવૃત્તિમાં ગંભીર ગેરરીતિ આચરી હતી, જેમાંથી 11.3 લાખ રૂપિયાની સરકારી રકમની સીધી ઉચાપત કરવામાં આવી છે.
જૂનાગઢ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને આરોપી દર્શન મેસવાણીયાની ધરપકડ કરી હતી. આરોપીની ઓફિસમાંથી પોલીસને ચોંકાવનારો મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસે સ્થળ પરથી બેંક કીટ, 110 જેટલા એક્ટિવેટેડ સિમકાર્ડ અને ૯ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ સિમકાર્ડ અને બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ વિદ્યાર્થીઓના નામે બોગસ ટ્રાન્ઝેક્શન કરવા માટે કરવામાં આવતો હતો.
આરોપી દર્શન મેસવાણીયા વિદ્યાર્થીઓને એક્સટર્નલ અભ્યાસ કરવાની અને ફ્રીશિપ કાર્ડ મેળવી આપવાની ગુમરાહ કરનારી લાલચ આપતો હતો. આ ઉપરાંત, પરીક્ષા આપ્યા વગર જ પાસ કરી દેવાની ખાતરી આપી વિદ્યાર્થીઓ પાસેથી જરૂરી દસ્તાવેજો મેળવી લેતો હતો. વિદ્યાર્થીઓના આધારકાર્ડ અને દસ્તાવેજોનો ઉપયોગ કરીને બોગસ બેંક ખાતાઓ ખોલાવવામાં આવતા હતા અને સરકાર તરફથી જમા થતી સ્કોલરશીપની રકમ આરોપી પોતે ઉપાડી લેતો હતો.
દરોડા દરમિયાન પોલીસને આરોપીની ઓફિસમાંથી બિહાર અને દિલ્હી શિક્ષણ બોર્ડની મોટી સંખ્યામાં નકલી (બોગસ) માર્કશીટો પણ મળી આવી છે. આ માર્કશીટોનો ઉપયોગ બોગસ એડમિશન દર્શાવવા માટે થતો હોવાની શંકા છે. જૂનાગઢ પોલીસે આરોપી દર્શન મેસવાણીયા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.


