સલાયાના જહાજ પર લાલ સમુદ્રમાં હૂથી વિદ્રોહી સંગઠનો દ્વારા આત્મઘાતી હૂમલો
વિસ્ફોટકો ભરેલી બોટ જહાજ સાથે અથડાવી કરેલો હૂમલો : ૧૪ જિંદગીનો આબાદ બચાવ
અગ્ર ગુજરાત, સલાયા
લાલ સમુદ્રમાં યમનના હોડેઇડાહ નજીક ભારતીય ધ્વજ ધરાવતા સલાયાના માલવાહક જહાજ પર આંતકી જુથ હુથી દ્વારા હુમલો થયાનો બનાવ બહાર આવ્યો છે.જેમાં માલવાહક જહાજ સાથે નામ વિનાની બોટ અથડાવી હુમલો કરાયો હતો. યમન સરકારના જણાવ્યા મુજબ આ આત્મઘાતી હુમલો હુથી વિદ્રોહી સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે.
વિસ્ફોટ બાદ જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હત, જોતજોતામાં જહાજ સમુદ્રમાં અંદર ગરકાવ થઈ ગયું હતું.યમન કોસ્ટ ગાર્ડે સલાયાના તેર અને યમનના એક સહિત તમામ 14 ક્રુ મેમ્બર્સ સુરક્ષિત રીતે રેસ્કયુ કરી મોચા પોર્ટ પહોચાડયા છે. યમન નજીક લાલ સમુદ્રમાં હોડેઇડાહ પોર્ટ નજીક ચોથી ઓગષ્ટના બપોરે એમએસવી ફેઝ નૂરે ઓલિયા નામના ભારતીય ધ્વજ ધરાવતા સલાયાના માલવાહક જહાજ સાથે વિસ્ફોટકો ભરેલી નામ વગરની બોટ અથડાવી ભિષણ હુમલો કરવામાં આવ્યાનો બનાવ બહાર આવ્યો છે.
તમામ ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે મોચા પોર્ટ પર લાવવામાં આવ્યા છે ડિરેક્ટોરેટ જનરલ ઓફ મેરીટાઇમ એડમિનિસ્ટ્રેશન (DGMA) મુજબ જહાજમાં 18 એમ્બ્યુલન્સ અને જનરલ કાર્ગો ભરેલો હતો. સત્તાવાળાઓ જહાજની મેનેજમેન્ટ કંપની સાથે નિયમિત સંપર્કમાં છે.વહાણ માલિક સલાયાના મુનાફ હાજી અબ્દુલ્લાહ ભાયા હોવાનું સામે આવ્યુ છે.ઘટનાથી સલાયાના વહાણવટીઓમાં ભારે ચિંતાનો માહોલ છે.
લાલસમુદ્રમાં હુમલાનો ભોગ બનેલા ભારતીય જહાજમાં સવાર તમામ 14 ક્રૂ મેમ્બર્સનો સુરક્ષિત બચાવ થયો હતો જેમાં સલાયાના ક્રૂ મેમ્બર્સ યાસીન તાલીબ (કેપ્ટન), અલ્તાફ હુશમ, કરીમ હુશેન, ઇલિયાસ મામેદ, આરીમ આસીફ, આજીમ સાદીક, હુશેન જાફર, મામદે હુશેન,અસગર અલી મામદાણી,અબદાલી હુશેન,અસકર અલી મુસા,આજી સલીમ, ઇમરાજ જોનેશ ઉપરાંત યમનના હાચીદ ઝૈડનો સમાવેશ થતો હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.
ઉદ્યોગ પર સંકટ
ભારત સરકાર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે એવી માંગણી ઉઠી રહી છે. જયારે રેસ્કયુ કરાયેલા તમામ ભારતીય ખલાસીઓને વતન પરત લાવવા પ્રક્રિયાઓ હાથ ધરાઈ છે.હમણાં થોડા સમયમાં આવી ઘટના વધુ બનતા સલાયા વહાણવટા ઉદ્યોગ ઉપર સંકટના વાદળો ઘેરાયા છે.
યમન દ્વારા હુમલાની કડક નિંદા
યમનના વિદેશ અને પ્રવાસી બાબતોના મંત્રાલયે લાલ સમુદ્રમાં ભારતીય માલવાહક જહાજMSV ફૈઝ નૂરે ઓલિયા પર હુથી જૂથના આત્મઘાતી હુમલાને આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાનું ઘોર ઉલ્લંઘન ગણાવી સખત નિંદા કરી છે. આ હુમલાથી જહાજ સંપૂર્ણપણે ડૂબી ગયું છે, જેને મંત્રાલયે વૈશ્વિક વેપાર અને મુક્ત વહાણવટા સામે સીધો ખતરો ગણાવ્યો છે મંત્રાલયે ભારત સાથે એકતા દર્શાવતા તમામ 14 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવવા બદલ યમન કોસ્ટ ગાર્ડ અને નેવીની કામગીરીને બિરદાવી હતી.


