સાપુતારા મોન્સુન ફેસ્ટિવલનો આજથી પ્રારંભ
તા.૨૯મી સુધી સાંસ્કૃતિક, એડવન્ચર, નેચર ટ્રેસ, હસ્તકલા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે
અગ્ર ગુજરાત, સાપુતારા
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે 8 થી 29 ઓગસ્ટ, 2026 દરમિયાન સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ડાંગના કુદરતી સૌંદર્ય વચ્ચે યોજાનારો આ ફેસ્ટિવલ રાજ્ય તેમજ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન સાપુતારા સર્કલ નજીક આવેલા પી.એચ.સી. પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં.
ડાંગ જિલ્લાના કલેક્ટર એન.ડી. પરમારે જણાવ્યું હતું કે, મોન્સૂન ફેસ્ટિવલને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. તેમણે પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓને ડાંગ અને સાપુતારાની હરિયાળી તથા વરસાદી સૌંદર્યનો અનોખો અનુભવ લેવા ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે. પ્રવાસન કમિશનર ડૉ. વિપિન ગર્ગ અને પ્રવાસન સચિવ ડૉ. કુલદીપ આર્યએ પણ પ્રવાસીઓને પરિવાર સાથે ફેસ્ટિવલમાં જોડાવા અનુરોધ કર્યો છે.
ચોમાસાની ઋતુમાં હરિયાળીથી ઢંકાયેલું ડાંગ, ધોધ, વાદળોથી ઘેરાયેલા પહાડો અને આદિવાસી સંસ્કૃતિના રંગો સાથે પ્રવાસીઓને અનોખો અનુભવ કરાવે છે. ફેસ્ટિવલ દરમિયાન ઉદ્ઘાટન પરેડ, દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીતમય રજૂઆતો, રોમાંચક એડવેન્ચર પ્રવૃત્તિઓ, નેચર ટ્રેલ, હસ્તકલા અને આદિવાસી કલા પ્રદર્શન, ક્રાફ્ટ બજાર, સ્થાનિક પારંપારિક વાનગીઓના સ્ટોલ, આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ અને પરિવાર માટે વિવિધ મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના પ્રવાસન મંત્રી અને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. જયરામ ગામીત, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ ગામીત, વલસાડના સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય વિજય પટેલ સહિત સ્થાનિક લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં.


