ઉપલેટા તાલુકાના બિસ્માર રસ્તાઓ સામે ગ્રામજનોનો વિરોધ
ભાદર નદીના પુલ પર બેસી રામધૂન અને સૂત્રોચ્ચાર સાથે રજૂઆત; 52 ગામોના રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવાની માંગ
અગ્ર ગુજરાત, ધોરાજી
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓની બિસ્માર હાલતને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉપલેટા તાલુકાના 52 જેટલા ગામોને જોડતા અનેક મુખ્ય અને આંતરિક માર્ગો ખરાબ હાલતમાં હોવાના આક્ષેપ સાથે ગ્રામ્ય વિસ્તારના આગેવાનો અને સ્થાનિક લોકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
ઉપલેટાથી હાડફોડી તરફ જવાના માર્ગ પર આવેલી ભાદર નદીના પુલ ઉપર ગ્રામજનોએ એકત્ર થઈ રામધૂન બોલાવી તેમજ સૂત્રોચ્ચાર કરીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી રસ્તાઓ ખાડાઓમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિરોધમાં જોડાયેલા ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે હાડફોડી નજીક ભાદર નદી પર આવેલ પુલ પણ બિસ્માર હાલતમાં છે અને તેની મરામત તાત્કાલિક જરૂરી બની છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર વરસાદી સિઝનમાં રસ્તાઓની સ્થિતિ વધુ કફોડી બની જાય છે, જેના કારણે અકસ્માતોનો ભય પણ સતત વધતો જાય છે.
પ્રદર્શન દરમિયાન ચીખલિયા ગામના પૂર્વ સરપંચ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર, ઉપલેટા તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય જયદેવસિંહ વાળા તેમજ હાડફોડી ગામના દિલાવરભાઈ સંધિ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારને જોડતા મોટાભાગના માર્ગો લાંબા સમયથી મરામતના અભાવે બિસ્માર બની ગયા છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય કામગીરી ન થતાં હવે લોકો જાહેર વિરોધ કરવા મજબૂર બન્યા છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગણી કરી હતી કે તાલુકાના તમામ બિસ્માર માર્ગો તેમજ ભાદર નદી પરના પુલની તાત્કાલિક મરામત કરવામાં આવે અને ગ્રામ્ય વિસ્તારોને સલામત તથા સુવિધાસભર માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે. અન્યથા આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ગ્રામજનોના વિરોધને લઈને હવે સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગો શું પગલાં ભરે છે તેના પર તાલુકાભરના લોકોની નજર મંડાઈ છે.


