રાજુલાના વાવેરા ગામે ‘વન કવચ’નું ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે લોકાર્પણ
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે સામાજિક વનીકરણ રેન્જ હેઠળ નિર્મિત નવનિર્મિત ‘વન કવચ’નું લોકાર્પણ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલ પર્યાવરણ સંરક્ષણ, હરિયાળું ગુજરાત અને આવનારી પેઢીને સ્વચ્છ તેમજ સુરક્ષિત પ્રકૃતિ આપવાના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. આ પ્રસંગે અમરેલી વિભાગના એ.સી.એફ. જાદવ, રાજુલા વનીકરણના આર.એફ.ઓ. નવનીતભાઈ ડેર, વાઇલ્ડ લાઇફ આર.એફ.ઓ. ડી.કે. મકવાણા સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્થાનિક સ્તરેથી વાવેરાના સરપંચ અશોકભાઇ સાખટ, ભાક્ષી ગામના સરપંચ મંગળુભાઇ ધાખડા, રાજુલા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પ્રતિનિધિ કે.બી. કામળીયા, ભચાદર સરપંચ તખુભાઈ ધાખડા, આગરીયા ગામના અગ્રણી પ્રકાશભાઈ ખુમાણ, ગોવિંદભાઈ સાખટ, પ્રકાશભાઈ ચાંદુ, અમરૂભાઈ ધાખડા, ચંપૂભાઈ ધાખડા સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વન સંરક્ષણ અને પર્યાવરણની જાળવણીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પ્રકૃતિના જતન માટે જ્યાં પણ જરૂરી હોય ત્યાં દરેક પ્રકારનો સહયોગ આપવા તેઓ હંમેશાં તત્પર અને કટિબદ્ધ રહેશે.


