વોર્ડ નં.૧૪માં ૭૫ વૃક્ષોના નિકંદનની હિલચાલ
કોર્પોરેશનના બે પ્રોજેકટથી વાણીયાવાડી નજીકના ઘરોમાં વરસાદી પાણી ઘૂસવાની દહેશત
વૃક્ષ છેદન અને વોકળા પર બાંધકામ અટકાવવા આવેદનપત્ર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14 ના કોઠારીયા કોલોની અને વાણીયાવાડી 4 (જુનો પારડી માર્ગ) વચ્ચે જે વોકળો આવેલ છે તે વોકળા ઉપર તાજેતરમાં રાજકોટ ખાતે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત અને લોકાર્પણના પ્રસંગે વોર્ડ નંબર 14 ના આ વોકળા પરના ખુલ્લા પ્લોટ ઉપર અમારી જાણ મુજબ ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલ અંદાજે 45 કરોડના ખર્ચે બનાવવાની તજવીજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા છેલ્લા 40 વર્ષો કરતા પણ વધુ સમયથી ઘેઘુર વૃક્ષો પર લટકતી તલવાર ઉભી થઈ છે અને વોકળા પર બે માળના બાંધકામના પગલે વોકળા પર વરસાદી પાણીના અવરોધના પગલે આ વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય એવી દહેશત ના પગલે રાજકોટ ના પર્યાવરણ પ્રેમી, કોઠારીયા કોલોનીના રહેવાસીઓ, જાગૃત નાગરિકો, કોઠારીયા કોલોની યુવા ગ્રુપ દ્વારા એક બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
વોર્ડ નં.14માં વિકાસના નામે વૃક્ષ છેદનની પ્રવૃત્તિ અને વોકળા પર તોતિંગ બાંધકામ અટકાવવા અને વોર્ડ નંબર 14માં અન્ય સ્થળે ઉપરોક્ત બંને પ્રોજેક્ટો અંગે ફેર વિચારણા કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, મહાનગરપાલિકા મેયર નેહલભાઈ શુક્લને કોઠારીયા કોલોની યુવા ગ્રુપ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમજ સેન્ટ્રલ ઝોનના સિટી ઇજનેર રાવલ અને વોર્ડ નંબર 14 ના કોર્પોરેટરોને જાણ કરવામાં આવી છે. આ અંગે વિસ્તારના રહેવાસીઓ દ્વારા આંદોલનના પણ આજથી શ્રીગણેશ કરી દેવામાં આવશે.
કોઠારીયા કોલોની ખાતે યોજાયેલ બેઠકમાં યુવા ગ્રુપમાં પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, મનોજભાઈ ચોટલીયા, ચંદ્રેશભાઇ રાઠોડ, ભરતભાઈ વસાણી, અલ્પેશભાઈ ભીમજીણિયા, પ્રકાશભાઈ મેર, જગદીશભાઈ મોરી, અમિતભાઈ મહેતા, લીલાધરભાઇ અખિયાણીયા, પ્રકાશભાઈ, વિજયભાઈ ગોહેલ, ભોલેબાવાળા કિરીટભાઈ, ભરતભાઈ પરમાર, મહેશભાઈ ચોટલીયા, નરેનભાઈ કીડી, હુસેનભાઇ બેલીમ, તિરુપતિ ડેરી વાળા મિલનભાઈ ઉનડકટ મહિલાઓમાં સોનલબેન મોરી, દિશાબેન મહેતા, જયશ્રીબેન વસાણી, મંજુબેન પટેલ, રસ્મિતાબેન મહેતા, ભાવનાબેન પરમાર, ધારાબેન પરમાર, નીતાબેન ચોટલીયા, ભાવનાબેન ચોટલીયા, પ્રફુલાબા જાડેજા, જ્યોતિબેન કથરેચા, મંજુલાબેન કથરેચા સહિતના લેતાવાસીઓ પર્યાવરણ પ્રેમીઓ અને જાગૃત નાગરિકો એ હાજરી આપી હતી.


