સિવિલમાં થેલેસેમીયા મેજરોને પડતી હાલાકી અંગે આપનું કલેકટરને આવેદન
તંત્ર દ્વારા અપાયેલા જવાબની યોગ્ય તપાસ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતા આશરે 500 જેટલા દર્દીઓ, જેમાં મોટી સંખ્યામાં બાળકોનો સમાવેશ થાય છે, તેઓ નિયમિત સારવાર અને દવાઓ પર નિર્ભર છે. તેમ છતાં આવા ગંભીર દર્દીઓ માટે જરૂરી દવાઓ ઉપલબ્ધ ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે, જે અત્યંત ગંભીર અને ચિંતાજનક બાબત છે.
એક તરફ સરકાર આરોગ્ય ક્ષેત્રે મોટા મોટા દાવાઓ કરે છે અને ગરીબ તથા મધ્યમવર્ગના લોકોને સરકારી આરોગ્યસેવા આપવાની વાત કરે છે, ત્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે જરૂરી દવા જ ઉપલબ્ધ ન હોય તો સરકારના આ દાવાઓની વાસ્તવિકતા શું છે તેવો સીધો સવાલ ઊભો થાય છે.
વધુ ગંભીર બાબત એ છે કે હોસ્પિટલ તંત્ર તરફથી દવા ઉપલબ્ધ હોવાના નિવેદનો કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે દર્દીઓ અને તેમના પરિવારજનો દ્વારા કેટલીક જરૂરી દવા ઉપલબ્ધ ન હોવાની તથા ઉપલબ્ધ દવાની ગુણવત્તા અને અસરકારકતા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ વિરોધાભાસની તાત્કાલિક નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. તેવી રજૂઆત આપ દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને કરવામાં આવી છે.
રાજકોટમાં ભાજપના ધારાસભ્યો અને સાંસદ સભ્યો ચૂંટાઈને જનતાના પ્રતિનિધિ બન્યા છે. પરંતુ જ્યારે રાજકોટના 500 જેટલા થેલેસેમિયા પીડિત દર્દીઓ અને માસૂમ બાળકોના જીવન સાથે જોડાયેલો પ્રશ્ન ઊભો થયો છે, ત્યારે આ જનપ્રતિનિધિઓની ચુપ્પી અત્યંત દુઃખદ અને શરમજનક છે. તેવા આકરા પ્રહાર કર્યા હતાં.


