રાજકોટમાં આવતીકાલે તિરંગા યાત્રા, તૈયારીઓ પૂર્ણ
વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ થકી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નો સંદેશ અપાશે
માર્ગો પર દેશભક્તિ, લોકસંસ્કૃતિ અને કલાના રંગોની જમાવટ
અગ્ર ગુજરાત, રાજકોટ
આગામી ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી અને નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા તથા અખંડિતતાની ભાવના વધુ સુદૃઢ કરવાના હેતુથી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે ૧૩ ઓગસ્ટે ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાશે. આ ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ સવારે ૯:૦૦ કલાકે બહુમાળી ભવન ચોક ખાતેથી કરવામાં આવશે. બહુમાળી ભવન ચોકથી પ્રસ્થાન કરનાર તિરંગા યાત્રા શારદાબાગ, ICICI બેન્ક, ચૌધરી હાઈસ્કૂલ અને જ્યુબેલી ગાર્ડન થઈ આગળ વધશે અને અંતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થશે. તિરંગા યાત્રામાં રાજકોટ શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, એન.સી.સી. કેડેટ્સ, એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ, યુવાનો, સામાજિક સંસ્થાઓ, યુવા મંડળો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. જેમાં મોટી સંખ્યામાં યુવાનો તિરંગા સાથે યાત્રામાં જોડાય તેવું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. રાજકોટમાં જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વિવિધ કલાકારો, છાત્રોના સહયોગથી તિરંગા યાત્રા દરમિયાન ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરવામાં આવશે. જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં સજ્જ પાત્રો, દેશભક્તિના ગીતો, ક્લાસિકલ નૃત્ય, ગણેશ વંદના, મિશ્ર રાસ, હુડો રાસ અને ડાંગી નૃત્ય સહિતની વિવિધ રજૂઆતો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.


