રાજકોટ શહેર મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મોકલાયું ‘રક્ષા કવચ’
બહેનોએ પીએમ મોદીના ઉત્તરોત્તર સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પાઠવ્યા અંતરના આશીર્વાદ: સ્થાનિક ભાજપ આગેવાનોને પણ કરાયું રક્ષાસૂત્ર અર્પણ
અગ્ર ગુજરાત, રાજકોટ
ભાઈ-બહેનના પવિત્ર સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે રાજકોટ શહેર મહિલા મોરચા દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને રક્ષા કવચ (રાખડી) મોકલવામાં આવ્યું છે. શ્રાવણી પૂનમે આવતા આ તહેવાર નિમિત્તે બહેનોએ વડાપ્રધાનના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે હૃદયપૂર્વક આશીર્વાદ પાઠવ્યા છે.
રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રમુખ લીનાબેન રાવલ, મહામંત્રી માધવીબેન જોગીયા અને મયુરીબેન ભાલાળાની સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા તેમજ ભાજપ મહિલા અગ્રણી પૂજાબેન પટેલ સહિતના બહેનોએ વડાપ્રધાનને રક્ષા કવચ મોકલી શુભેચ્છા પાઠવી છે. બહેનોએ સંદેશામાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં દેશની અવિરત સેવાની સાથે મહિલાઓનું ઉત્થાન થાય અને તેઓ ખરા અર્થમાં પુરુષ સમોવડી બને તે માટે ભગવાન તેમને સુદ્રઢ લક્ષ્ય અને શક્તિ અર્પે.
આ પ્રસંગે ઉપસ્થિત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ પંડ્યા, પ્રદેશ ભાજપ મીડિયા ઈન્ચાર્જ પ્રશાંતભાઈ વાળા તેમજ શહેર મહામંત્રીઓ વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનોને પણ મહિલા મોરચાના બહેનોએ કંકુ તિલક કરી રક્ષાસૂત્ર બાંધીને આશીર્વાદ પાઠવ્યા હતા.


