રાજકોટ નાગરિક સહકારી બેંકની હેડ ઓફિસ અને તમામ શાખાઓમાં ૧૫મી ઓગસ્ટે ધ્વજવંદન યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા તા. ૧૫ ઓગસ્ટ, શનિવારે સવારે ૯:૦૦ કલાકે રાજકોટ સ્થિત હેડ ઓફિસ તેમજ બહારગામની તમામ શાખાઓમાં ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં ૧૫૦ ફીટ રિંગ રોડ, રૈયા સર્કલ પાસે આવેલા બેંકના હેડ ઓફિસ ‘અરવિંદભાઈ મણીઆર નાગરિક સેવાલય’ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) સુનિલભાઈ મહેતા તથા ડ્યુનેક્સ ગ્રુપના ચેરમેન કિશોરભાઈ ખંભાયતા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી ધ્વજવંદન કરાવશે.
આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, શાખા વિકાસ સમિતિના સદસ્યો, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ તમામ કર્મચારીઓને રાજકોટ હેડ ઓફિસ અથવા પોતાની નજીકની શાખા ખાતે સમયસર ઉપસ્થિત રહેવા માટે બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેન જીવણભાઈ પટેલે હાર્દિક અનુરોધ કર્યો છે.


