ભારતીય ટપાલ વિભાગ દ્વારા રક્ષાબંધન પર્વે ‘રાખીમેઇલ’ પર ૧૦% વિશેષ ડિસ્કાઉન્ટની જાહેરાત
રાજકોટ હેડ પોસ્ટઓફિસ ખાતે ૨૪ કલાક કાઉન્ટર સુવિધા શરૂ: સ્પીડપોસ્ટ દ્વારા બુકિંગ કરાવનાર ગ્રાહકોને મળશે લાભ
અગ્ર ગુજરાત, રાજકોટ
ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે નાગરિકો વધુમાં વધુ સંખ્યામાં સ્પીડપોસ્ટ સેવા દ્વારા રાખડી મોકલી શકે તે માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ‘રાખીમેઇલ’ (Rakhi Mail) પર ૧૦% નું વિશેષ ડિસ્કાઉન્ટ આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સસ્તી, ઝડપી અને ભરોસાપાત્ર સરકારી સેવા પૂરી પાડવાનો છે. આ યોજના સમગ્ર દેશમાં ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ થી અમલમાં આવી ગઈ છે અને દર વર્ષે રક્ષાબંધનના ૧૫ દિવસ પહેલાં સિસ્ટમમાં સક્રિય કરવામાં આવશે.
નાગરિકોની અનુકૂળતા માટે રાજકોટ હેડ પોસ્ટઓફિસ ખાતે ૨૪ કલાક કાઉન્ટરની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ડિસ્કાઉન્ટ માત્ર ઇનલેન્ડ સ્પીડપોસ્ટ (ડોક્યુમેન્ટ) આર્ટિકલ્સ તરીકે બુક કરાતી રાખડીઓ અને તેના મૂળ પોસ્ટલ ચાર્જ પર જ મળવાપાત્ર રહેશે. આ સુવિધાનો લાભ લેવા માટે ગ્રાહકોએ રાખડીના કવરની આગળના ભાગ પર સ્પષ્ટ અક્ષરે “Rakhi Mail” લખવું ફરજિયાત રહેશે. કાઉન્ટર ઓપરેટર કવર ખોલ્યા વિના માત્ર બહારથી પ્રત્યક્ષ ચકાસણી કરીને તેમાં રાખડી હોવાની ખાતરી કરશે.
ટપાલ વિભાગની યાદી મુજબ, આ યોજના હેઠળ એક ગ્રાહક એક સમયે વધુમાં વધુ ૫ (પાંચ) સ્પીડપોસ્ટ આર્ટિકલ્સ બુક કરાવી શકશે. આ ડિસ્કાઉન્ટ સુવિધા માત્ર પોસ્ટઓફિસ કાઉન્ટર પરથી રૂબરૂ કરાતા રિટેલ બુકિંગ માટે જ માન્ય રહેશે. ટપાલ વિભાગે તમામ નાગરિકોને નજીકની પોસ્ટઓફિસની મુલાકાત લઈ આ યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.


