હિરાસર એરપોર્ટથી દિવાળી પહેલા ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સની કવાયત
સાંસદ પરષોત્તમ રૂપાલાને સાથે રાખી એરલાઈન્સ કંપનીઓ સાથે કરાશે સંપર્ક: દુબઈ અને બેંગકોક માટેની કનેક્ટિવિટી મેળવવા પ્રમુખ વી.પી.વૈષ્ણવ ઉઠાવશે જહેમત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ (હિરાસર) ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થયાને આશરે ત્રણ વર્ષનો સમય વીતી જવા છતાં હજુ સુધી એકપણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થઈ શકી નથી. ત્યારે આગામી દિવાળીના તહેવારો પહેલા ગમે તે ભોગે રાજકોટથી આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ શરૂ થાય તે માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ ખાસ જહેમત ઉઠાવશે.
રાજકોટ ચેમ્બરના અવિરત પ્રયાસો બાદ વર્ષ ૨૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ એરપોર્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ૨૭ જુલાઈ ૨૦૨૩ના રોજ લોકાર્પણ કરાયું હતું. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો શરૂ કરવા માટે રાજકોટ ચેમ્બરે સાંસદ પરષોત્તમ રૂપાલાને રજૂઆત કરી હતી, જેના પગલે તેમણે સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. સિવિલ એવિએશન વિભાગે આ અંગે તૈયારી દર્શાવીને વિવિધ એરલાઈન્સ કંપનીઓનો સંપર્ક કરવા સૂચવ્યું હતું. આથી, સાંસદ પરષોત્તમ રૂપાલાને સાથે રાખીને તમામ એરલાઈન્સ કંપનીઓ સાથે વાટાઘાટો કરી આગામી એક-બે મહિનામાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થાય તેવા ચક્ર ગતિમાન કરાશે.
હાલ હિરાસર એરપોર્ટને કસ્ટમ્સ ક્લિયરન્સની સુવિધા મળી ગઈ છે, જ્યારે ઈમિગ્રેશનની ચકાસણી માટે અમદાવાદથી ખાસ ટીમ આવી રહી છે. જો તાત્કાલિક ધોરણે રાજકોટ-દુબઈ કે રાજકોટ-બેંગકોક વચ્ચેની ફ્લાઈટ શરૂ થાય અને મિડલ ઈસ્ટના શહેરોની કનેક્ટિવિટી મળે, તો સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગકારો, તબીબી સારવાર અર્થે જતા દર્દીઓ અને પ્રવાસીઓ સહિત આમ જનતાને બહોળો ફાયદો થશે.


