શ્રાવણ માસમાં આરોગ્ય સાથે ચેડાં કરનારા સામે RMC ની લાલ આંખ
૭૭ એકમો પર દરોડા, ૯૮ કિલો વાસી-અખાદ્ય ખોરાકનો નાશ કરાયો : ફરાળી પેટીસ, ડેરીઓ અને કાફેમાં વ્યાપક ચેકિંગ; ૮ પેઢીઓને નોટિસ અને રૂ. ૧૦,૦૦૦ નો દંડ વસૂલાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઉપવાસીઓ માટે ફરાળી ખાદ્યચીજોનું વ્યાપક વેચાણ થતું હોય છે. શ્રોતાઓ અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ, રો-મટિરિયલ તેમજ ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરતા એકમો પર સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સર્વેલન્સ કામગીરી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ૭૭ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. દરોડા અને તપાસ કાર્યવાહી દરમિયાન આરોગ્ય માટે હાનિકારક એવા અંદાજિત ૯૮ કિલોગ્રામ વાસી અને અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
લાયસન્સ, હાઇજેનિક કન્ડિશન (અસ્વચ્છતા) અને સ્ટોરેજ બાબતે કુલ ૮ પેઢીઓને નોટિસ પાઠવવામાં આવી છે. જયારે નિયમોના ભંગ બદલ કુલ રૂ.૧૦,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો. FSS એક્ટ હેઠળ શુદ્ધતાની ચકાસણી માટે ૪ શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
મનપાની ફૂડ શાખા દ્વારા લાલા રઘુવંશી ફરાળી પેટીસ (કોઠારીયા રોડ): ૩ કિલો વાસી લોટ અને ૩ કિલો ફરાળી ચિપ્સનો નાશ કરાયો, જલારામ ફરાળી પેટીસ (કોઠારીયા રોડ): ૪ કિલો પેટીસ અને ૨ કિલો લોટનો નાશ. જય રામનાથ પેટીસ (લક્ષ્મીવાડી): ૨ કિલો પેટીસ, ૧ કિલો લોટનો નાશ અને લાયસન્સ અંગે નોટિસ. T-1 મદ્રાસ કાફે ગોડાઉન (સ્પીડવેલ ચોક): ૨૫ કિલો વાસી/અખાદ્ય ખોરાકનો નાશ, હાઇજીન નોટિસ અને રૂ. ૫,૦૦૦ દંડ. બર્ગર સિંઘ – ટાઈની ટેસલ એન્ટરપ્રાઇઝ (૧૫૦ ફીટ રિંગ રોડ): ૧૮ કિલો એક્સપાયર્ડ બર્ગર બનનો નાશ અને રૂ. ૧,૦૦૦ દંડ. ટ્રીટ્સ & ઈટ્સ (૧૫૦ ફીટ રિંગ રોડ): ૧૫ કિલો વાસી ખોરાકનો નાશ. જય સોમનાથ ફૂડઝોન (યુનિ. રોડ): ૨ કિલો એનાલોગ પનીરનો નાશ અને નોટિસ. એન્જલ ચાઈનીઝ પંજાબી (યુનિ. રોડ): ૮ કિલો વાસી પનીરનો નાશ અને નોટિસ. શ્રી રાધે ડેરી ફાર્મ (હરિઘવા રોડ): ૨ કિલો એક્સપાયરી બેકરી પ્રોડક્ટ્સનો નાશ. શિવ કાફે (નાના માવા ચોક): હાઇજીન નોટિસ સાથે રૂ. ૧,૦૦૦ દંડ વિકફૂડ પ્રા.લિ. (કોઠારીયા રોડ): હાઇજીન નોટિસ અને રૂ. ૩,૦૦૦નો દંડ વસુલાયો છે. જયારે પેશુંમલ ચેલરામ & કંપની (દાણાપીઠ): (૧) વાસ્તુ બ્રાન્ડ ગાયનું ઘી (૨) સુકુન બ્રાન્ડ ગાયનું ઘી, શ્રી ખોડિયાર ડેરી ફાર્મ (યુનિવર્સિટી રોડ): (૧) લુઝ પનીર (૨) લુઝ શુદ્ધ ઘી, લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે.
આ ઉપરાંત લક્ષ્મીવાડી, કોઠારીયા રોડ, ૮૦ ફીટ રોડ, રૈયા રોડ અને અંબિકા ટાઉનશિપ વિસ્તારની અન્ય ૬૦થી વધુ ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરન્ટ્સમાં પણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે શ્રાવણ માસ દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.


