બી-ગ્રેડ ઈંધણનો મીની પેટ્રોલ પંપ ઝડપાયો, 1900 લિટર જ્વલનશીલ પ્રવાહી જપ્ત
રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં એસઓજી-કુવાડવા રોડ પોલીસની કાર્યવાહી : વિસાવદરથી ઈંધણ લાવી ત્રણ મહિનાથી વાહનોમાં વેચાણ કરતા બે શખ્સ ઝડપાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પદાર્થોના સંગ્રહ અને વેચાણ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાંથી શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થનું વેચાણ કરતું મીની પેટ્રોલ પંપ ઝડપાયું છે. એસઓજી અને કુવાડવા રોડ પોલીસે સંયુક્ત દરોડો પાડી બે શખ્સોને ઝડપી લીધા હતા. સ્થળ પરથી આશરે 1900 લિટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી, ઇલેક્ટ્રિક ફ્યુઅલ પંપ સહિત કુલ રૂ.3.17 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા પ્રવાહીના નમૂના એફએસએલમાં મોકલાયા છે અને રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની આગળની કાર્યવાહી કરવામાં આવશે.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બસિયાની સૂચનાથી શહેરમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ, ખરીદી કે વેચાણ કરનારાઓ સામે નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન એસઓજી પીઆઇ એન.બી. ચૌધરી તથા કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એ.એન. જાનીની દેખરેખ હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.
પોલીસને બાતમી મળી હતી કે અગાઉ ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણના કેસમાં ઝડપાયેલો વિસાવદરનો મહેલમ ફિરોજ ભારમલ રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં બ્રિલોન રબર ઇન્ડસ્ટ્રીઝની સામે આવેલા એક ગોડાઉનમાં શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો રાખી તેનું વાહનોમાં વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં ગોડાઉનમાં ઇલેક્ટ્રિક ફ્યુઅલ પંપ ગોઠવાયેલો જોવા મળ્યો હતો.
પોલીસે મહેલમ ફિરોજ ભારમલ (ઉ.વ.32, રહે. વોરા સોસાયટી, જૂનાગઢ રોડ, વિસાવદર) અને તેની સાથે રહેલા રણજીત કનુ ધાંધલ (ઉ.વ.25, રહે. હુડકો ચોકડી, રાધેશ્યામ સોસાયટી, રાજકોટ)ને સ્થળ પરથી ઝડપી લીધા હતા. બંને શખ્સો ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પેટ્રોલિયમ વાસ ધરાવતા પ્રવાહીનો સંગ્રહ કરી ગ્રાહકોના ખાનગી વાહનોમાં ઈંધણ તરીકે તેનું વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
દરોડા દરમિયાન બે અલગ અલગ પ્લાસ્ટિક કન્ટેનરમાં ભરેલું આશરે 1900 લિટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે રૂ.1.61 લાખ ગણવામાં આવી છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક ફ્યુઅલ પંપ, પ્લાસ્ટિક કન્ટેનર, ઇલેક્ટ્રિક મોટર, લેપટોપ, કેલ્ક્યુલેટર તથા ફ્યુઅલ પંપના મીટર રીડિંગની નોંધ ધરાવતી નોટબુક સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર જથ્થા અને સાધનોની કુલ કિંમત રૂ.3.17 લાખ જેટલી થાય છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં વધુ એક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મહેલમ પોતાના વતન વિસાવદર ખાતે પ્લાસ્ટિક વેસ્ટ સહિતના જૈવિક પદાર્થ અને કચરામાંથી બી-ગ્રેડનું ઈંધણ તૈયાર કરતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. ત્યારબાદ રણજીત સાથે મળીને બંનેએ અંદાજે ત્રણ મહિના અગાઉ રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં મીની પેટ્રોલ પંપ શરૂ કર્યો હતો. વિસાવદરથી તૈયાર કરાયેલો શંકાસ્પદ પેટ્રોલિયમ જથ્થો રાજકોટ લાવી ટ્રક સહિતના વિવિધ વાહનોમાં ઈંધણ તરીકે વેચવામાં આવતો હોવાની વિગતો પણ સામે આવી છે.
જોકે, કબજે કરાયેલ પ્રવાહી ખરેખર કયા પ્રકારનું છે અને તેનો વાહનોમાં ઈંધણ તરીકે ઉપયોગ કેટલો જોખમી છે તે અંગે વૈજ્ઞાનિક તપાસ જરૂરી હોવાથી પોલીસે નમૂનાઓ એફએસએલમાં મોકલ્યા છે. એફએસએલના રિપોર્ટમાં પ્રવાહીની ચોક્કસ પ્રકૃતિ અને ગુણવત્તા સ્પષ્ટ થયા બાદ બંને શખ્સો સામે સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાશે.
આ કાર્યવાહીથી ઔદ્યોગિક અને ટ્રાન્સપોર્ટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા આવા મીની ઈંધણ કેન્દ્રો સામે પોલીસની તપાસ વધુ કડક બનવાના સંકેતો મળ્યા છે.


