અમરેલીમાં ઊર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને ‘તિરંગા યાત્રા‘ યોજાઈ
૩૦૦ મીટર લાંબા વિશાળ તિરંગા સાથે ૧૦ હજારથી વધુ નાગરિકો જોડાતા ‘ભારત માતા કી જય‘ના નારાથી અમરેલી ગુંજી ઉઠ્યું
અગ્ર ગુજરાત, અમરેલી
રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે અમરેલી શહેરમાં ઊર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના રંગે રંગાયેલા આ તિરંગા યાત્રામાં હાથમાં તિરંગા અને હૃદયમાં રાષ્ટ્રભક્તિ સાથે ૧૦ હજારથી વધુ નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા. પોલીસ પરેડ મેદાનથી પ્રારંભ થઇ હતી. જેમાં અમરેલી નગરપાલિકા, રાજકમલ ચોક, ટાવર રોડ, બજાર, નાગનાથ મંદિર સહિતના વિવિધ સ્થળોએ નાગરિકોએ ઉત્સાહભેર તિરંગાનુ અભિવાદન કર્યું હતું. આ તિરંગા યાત્રામાં ૩૦૦ મીટર લાંબો વિશાળ તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ભારત માતાના જયઘોષ અને દેશભક્તિના નારાઓથી સમગ્ર અમરેલી શહેરનું વાતાવરણ રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પોલીસના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા દિલધડક બાઇક સ્ટંટે ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પોલીસ જવાનોની સાહસિકતા, કૌશલ્ય અને શિસ્તના પ્રદર્શનને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અવસરે યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ અમરેલીમાં દેશભક્તિ, રાષ્ટ્ર એકતા અને રાષ્ટ્રપ્રેમનો અનોખો સંદેશ પ્રસરાવ્યો હતો. આ યાત્રામાં સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, અમરેલી જિલ્લા પ્રભારી સચિવ સંદીપ કુમાર, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ, સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેકટર હર્ષિતા ગોયલ, જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, નગરપાલિકાના સભ્યો, અધિકારીઓ- પદાધિકારીઓ, વિધાર્થીઓ, ભાજપના આગેવાનો- કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.


