સ્વાતંત્ર્ય પર્વે 89.6 FM રેડિયો રાજકોટ ગૂંજશે દેશભક્તિના સૂરથી
કેપ્ટન જયદેવ જોશી સાથે વિશેષ ટોક-શો, ક્રાઈસ્ટ કોલેજના વિદ્યાર્થીઓ અને ક્લાસિકલ મ્યુઝિક બેન્ડનું લાઈવ જામિંગ સેશન શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે
અગ્ર ગુજરાત, રાજકોટ
૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસના પાવન પ્રસંગે રાજકોટવાસીઓની આઝાદીની ઉજવણીને વધુ સંગીતમય અને ઉત્સાહસભર બનાવવા માટે 89.6 FM Radio Rajkot દ્વારા સમગ્ર દિવસ દરમિયાન વિવિધ દેશભક્તિમય કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રોતાઓ આખો દિવસ દેશપ્રેમના રંગે રંગાઈ શકે તે માટે ખાસ રેડિયો શૉ અને મ્યુઝિકલ સેશન્સ રજૂ કરાશે.
આ વિશેષ પ્રસારણ અંતર્ગત શ્રોતાઓ માટે કેપ્ટન જયદેવ જોશી સાથેની ખાસ મુલાકાત (ઇન્ટરવ્યુ) પ્રસારિત કરવામાં આવશે. 89.6 FM ની ફ્રીક્વન્સી પર રજૂ થનારા આ કાર્યક્રમમાં આઝાદીનું મહત્વ, સાચો દેશપ્રેમ અને વર્તમાન સમયમાં રાષ્ટ્ર પ્રત્યે નાગરિકોની જવાબદારીઓ જેવા ગંભીર અને પ્રેરણાદાયી વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.
રેડિયો સ્ટેશન દ્વારા સંગીતપ્રેમીઓ માટે ખાસ લાઈવ ફ્લેવર ઉમેરવામાં આવ્યો છે જેમાં ક્રાઈસ્ટ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના સુપરહિટ ગીતોનું ખાસ મ્યુઝિક જામિંગ સેશન રજૂ કરવામાં આવશે. રાજકોટની મુલાકાતે આવેલા જાણીતા સંગીત બેન્ડ દ્વારા દેશભક્તિના ગીતો પર ક્લાસિકલ મ્યુઝિક જામિંગ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવામાં આવશે.
૧૫ ઓગસ્ટના રોજ આખો દિવસ 89.6 FM સ્ટેશન પર માત્ર ને માત્ર લોકપ્રિય દેશભક્તિ ગીતોનું જ પ્રસારણ કરવામાં આવશે. 89.6 FM રેડિયો રાજકોટની ટીમે તમામ રાજકોટવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીને આ દેશભક્તિના સંગીત ઉત્સવમાં ટ્યુન-ઇન થવા માટે આહ્વાન કર્યું છે.


