નાના મૌવાની સિલ્વર ગોલ્ડ રેસીડેન્સીમાં દેશભક્તિનો માહોલ: વડીલો, માતૃશક્તિ અને બાળકોએ સાથે મળી રાષ્ટ્રધ્વજને આપી સલામી
અગ્ર ગુજરાત, રાજકોટ
૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે નાના મૌવા વિસ્તારમાં આવેલી સિલ્વર ગોલ્ડ રેસીડેન્સી ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ અને દેશભક્તિસભર માહોલમાં ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં સિલ્વર ગોલ્ડ રેસીડેન્સી ઉપરાંત ગોલ્ડ રેસિડેન્સી, ઓમ રેસિડેન્સી, હરિદ્વાર હિલ્સ, સિલિકોન વેલી, ગોવિંદપાર્ક તેમજ તિરુપતિ પાર્ક સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં સંયુક્ત રીતે ઉપસ્થિત રહ્યા હતા.
સોસાયટીના પ્રાંગણમાં શાનદાર રીતે ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી, જેનાથી સમગ્ર પરિસર ‘ભારત માતા કી જય’ અને રાષ્ટ્રગીતના નારાઓથી ગૂંજી ઊઠ્યું હતું. તમામ સોસાયટીઓના વડીલો, મહિલાઓ અને બાળકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી રાષ્ટ્રપ્રેમ તથા પરસ્પર ભાઈચારાની ભાવનાને સુદ્રઢ બનાવી હતી. યુવા અગ્રણી હાર્દિક ચંદારાણાએ જણાવ્યા મુજબ, સિલ્વર ગોલ્ડ રેસીડેન્સીના પ્રમુખ રાજુભાઈ સાવલિયા અને તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું પ્રેરણાદાયી અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. તમામ રહીશોના સહયોગથી સ્વાતંત્ર્ય પર્વનો આ મહોત્સવ અત્યંત ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો.


