દેશના ટોપ-૫ સ્ટીલ ક્લસ્ટરમાં રાજકોટની પસંદગી
ગ્રીન ઊર્જાથી વર્ષે ₹૨.૨ કરોડની વીજબચત૯,૪૬૦ ટન કાર્બન ઉત્સર્જન ઘટશે
CII ગ્રીન સ્ટીલ સમિટમાં સ્પેશિયલ કેસ સ્ટડી તરીકે રજૂઆત: ફાઉન્ડ્રી એકમો માટે ૩૦ થી ૪૮ મેગાવોટના ગ્રૂપ કેપ્ટિવ પાયલોટ પ્રોજેક્ટની ભલામણ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાયપુર ખાતે યોજાયેલી ‘CII ગ્રીન સ્ટીલ સમિટ’માં દેશભરના ૨૨ સ્ટીલ ક્લસ્ટરમાંથી નવીનીકરણીય (ગ્રીન) ઊર્જા અપનાવવા માટે રાજકોટ ટોપ-૫માં સ્થાન પામ્યું છે. ઇન્ડિયા ગ્રીન સ્ટીલ કોલિશન (IGSC) અને JMK રિસર્ચ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલ મુજબ રાજકોટના સ્ટીલ અને ફાઉન્ડ્રી એકમો ગ્રીન એનર્જી અપનાવીને વાર્ષિક ₹૨.૨ કરોડ સુધીની વીજળી બચત કરી શકશે, સાથે જ વાર્ષિક ૯,૪૬૦ ટન સુધી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે.
દેશના ૨૨ ક્લસ્ટર્સમાંથી રાજકોટ, રાયપુર, બેલગાવી, શિમોગા અને ભાવનગરની પસંદગી કરાઈ છે, જેમાં રાજકોટ અને રાયપુરને ખાસ કેસ સ્ટડી તરીકે દર્શાવવામાં આવ્યા છે. સ્થાનિક સ્ટીલ એકમો નિકાસલક્ષી હોવાથી ગ્રીન સ્ટીલ મોડેલ અપનાવવાથી ઉત્પાદન ખર્ચ ઘટશે અને રાજકોટના ઉદ્યોગો વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે.
MSME ફાઉન્ડ્રી એકમો માટે વીજળીનો ખર્ચ કુલ ઉત્પાદન ખર્ચના આશરે ૪૦ ટકા જેટલો હોય છે. જો એક ફાઉન્ડ્રી ૫ મેગાવોટના ગ્રૂપ કેપ્ટિવ સોલાર મોડેલમાં જોડાય તો તેનો વીજ બિલ ખર્ચ વિપુલ પ્રમાણમાં ઘટી જાય છે. આ ઉપરાંત વિન્ડ-સોલાર હાઇબ્રિડ મોડેલથી વાર્ષિક ₹૨.૬ કરોડ સુધીની બચત પણ શક્ય છે, પરંતુ સોલાર મોડેલ સૌથી વધુ વ્યવહારુ હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
૫૦ કિમીના દાયરામાં ક્લસ્ટર પાયલોટ પ્રોજેક્ટનું આયોજન
| વિગત | મુખ્ય માહિતી |
| પ્રોજેક્ટ મોડેલ | ગ્રૂપ કેપ્ટિવ સોલાર પ્રોજેક્ટ |
| કુલ ક્ષમતા | ૩૦ થી ૪૮ મેગાવોટ (MW) |
| ભાગીદારી | ૫૦ કિમી વિસ્તારના ૫ થી ૮ એકમોનું જૂથ |
| વીજ ખર્ચમાં ઘટાડો | વીજળી દરમાં ૨૦% સુધીનો સીધો ઘટાડો |
| વાર્ષિક નાણાકીય બચત | પ્રતિ એકમ દર વર્ષે ₹૨.૨ કરોડ સુધીની બચત |
| જરૂરી રોકાણ | પ્રતિ એકમ ₹૧.૪ કરોડનું ઇક્વિટી રોકાણ (પ્રથમ વર્ષમાં જ રિકવરી) |


