ગોંડલમાં એકલી ચાલતી મહિલાઓને ટાર્ગેટ કરતા વિકૃત મનસૂબા ધરાવતા શખ્સની ધરપકડ
માનસિક અસ્થિર હોય મહિલાઓને હેરાન કરી વિકૃત આનંદ કરતો
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એકલી જતી મહિલાઓ પર અચાનક હુમલો કરી, છેડતી કરીને ભાગી જતાં વિકૃત મનોવૃત્તિ ધરાવતા શખ્સને રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ઝડપી પાડ્યો છે. આરોપી માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે, જે બાઇક કે એક્ટિવા પર આવીને મહિલાઓને મુક્કો કે ધુબ્બો મારી ભાગી જતો હતો.
રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાય અને ગ્રામ્ય SP વિજય સિંહ ગુર્જરની સૂચના મુજબ LCBની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. 12 ઓગસ્ટ 2026ના રોજ ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં સાંજના સમયે એક મહિલા ચાલતા જઈ રહ્યા હતા, ત્યારે ગ્રે કલરના એક્ટિવા પર આવેલા શખ્સે મહિલાને છાતીના ભાગે ધુબ્બો મારી નિર્લજ્જ હુમલો કર્યો હતો. આ અંગે ગોંડલ B-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ સિવાય બે વર્ષ પહેલાં પણ મહાદેવવાડી વિસ્તારમાં આ જ પ્રકારે બનેલી ઘટનાનો અણઉકેલાયેલ ગુનો નોંધાયેલો હતો.
મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થતાં, LCB પોલીસે સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીદારોની મદદથી સઘન તપાસ હાથ ધરી હતી. ગોંડલ-જેતપુર રોડ પર ‘ત્રણ ખુણીયા’ પાસે શંકાસ્પદ એક્ટિવા ચાલક હોવાની બાતમી મળતા પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.
પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ ચેતનભાઈ રામજીભાઈ રૈયાણી (ઉંમર: 52 વર્ષ), રહે. રવિ બંગલોઝ, જેતપુર રોડ, ગોંડલ હોવાનું જણાવ્યું હતું. કડક પૂછપરછમાં આરોપીએ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી. અને હોન્ડા એક્ટિવા (GJ-03-HS-8165) અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 50,000/- નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
LCB એ આરોપીને ગોંડલ B-ડિવિઝન પોલીસ હવાલે કરતા, PI જી.એસ.ગઢવી સહિતના કાફલાએ આરોપીને સાથે રાખી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. વિકૃત મનોવૃત્તિ ધરાવતા આ આરોપીની ધરપકડ થતાં ગોંડલની મહિલાઓએ અને સ્થાનિક રહીશોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે અને રાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીની સરાહના થઈ રહી છે.


