સોનાની તિજોરી ખોલો, કમાણીનો રસ્તો ખૂલશે
ઘરમાં કે લોકરમાં પડેલા દાગીના, સિક્કા-બારને જમા કરાવી વ્યાજ આપવાની નવી વ્યવસ્થા અંગે સરકારની કવાયત; જ્વેલર્સને જોડીને પ્રક્રિયા સરળ બનાવવાની તૈયારી
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
ઘરના લોકરમાં કે બેંકના લોકરમાં વર્ષોથી પડેલા સોના પર અત્યાર સુધી માત્ર ભાવ વધવાની આશા રાખવી પડતી હતી. પરંતુ હવે આ જ સોનું પરિવાર માટે નિયમિત આવકનું સાધન બની શકે તેવી નવી વ્યવસ્થા અંગે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. પ્રસ્તાવિત મોડલમાં ગ્રાહક પોતાના દાગીના, સિક્કા કે બારને માન્ય અને વિશ્વસનીય ઝવેરી પાસે જમા કરાવી શકે અને તેના બદલામાં સોનાના મૂલ્યના આધારે વ્યાજ મેળવવાની વ્યવસ્થા ઊભી કરવાનો વિચાર છે.
આ નવી પહેલનો મુખ્ય હેતુ દેશના ઘરોમાં નિષ્ક્રિય પડેલા વિશાળ સોનાના જથ્થાને નાણાકીય વ્યવસ્થામાં લાવવાનો છે. સરકાર અને જ્વેલરી ઉદ્યોગ વચ્ચે ચાલી રહેલી ચર્ચામાં એવી પ્રક્રિયા બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેમાં સામાન્ય વ્યક્તિ માટે સોનું જમા કરાવવું સરળ બને અને તેને બેંક કે અલગ ટેસ્ટિંગ સેન્ટરની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું ન પડે.
પ્રસ્તાવિત વ્યવસ્થામાં ઝવેરી પાસે લાવવામાં આવેલા સોનાની શુદ્ધતા અને વજનની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ તેનું મૂલ્યાંકન કરીને ડિજિટલ અથવા ડીમેટ પ્રકારના રેકોર્ડમાં નોંધ કરવાની વિચારણા છે. જમા કરાયેલા સોનાના મૂલ્ય સામે ગ્રાહકને વ્યાજ મળવાની સંભાવના છે. એટલે કે, અત્યાર સુધી ઘરમાં માત્ર સંપત્તિ તરીકે પડેલું સોનું ભવિષ્યમાં ‘ગોલ્ડ ડિપોઝિટ’ની જેમ કામ કરી શકે છે.
જોકે, આ યોજનાને લઈને સૌથી મહત્વની બાબત એ છે કે વ્યાજનો ચોક્કસ દર, જમા રાખવાનો સમયગાળો, શુદ્ધતા ચકાસણીની પદ્ધતિ, કરવેરા નિયમો અને પરત સોનું કે તેની રોકડ કિંમત કેવી રીતે મળશે તેની અંતિમ શરતો હજુ જાહેર થયેલી નથી. તેથી હાલ તેને તૈયાર થઈ રહેલા પ્રસ્તાવ તરીકે જોવું જરૂરી છે.
કેન્દ્ર સરકારે અગાઉ 2015માં Gold Monetisation Scheme શરૂ કરી હતી. તેનો હેતુ ઘરો અને સંસ્થાઓ પાસે પડેલા સોનાને અર્થતંત્રમાં લાવવાનો અને લાંબા ગાળે સોનાની આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો હતો. જૂની વ્યવસ્થામાં BIS માન્ય પરીક્ષણ કેન્દ્રો મારફતે સોનાની શુદ્ધતા તપાસી બેંકમાં ડિપોઝિટ કરવાની પ્રક્રિયા હતી.
પરંતુ અપેક્ષા મુજબ જનભાગીદારી ન મળતાં સરકારે 26 માર્ચ 2025થી Medium અને Long Term Government Depositના ઘટકો બંધ કરી દીધા હતા. શોર્ટ ટર્મ ડિપોઝિટની સુવિધા બેંકોની વ્યાવસાયિક ક્ષમતા મુજબ ચાલુ રહી શકે છે. હવે સરકારની નજર એ ખામી દૂર કરવા પર હોવાનું માનવામાં આવે છે. લોકો વર્ષોથી જે ઝવેરીને ઓળખે છે અને જેના પર વિશ્વાસ રાખે છે, તેને જ પ્રક્રિયામાં જોડવાથી સોનાના જમા કરાવવાની વ્યવસ્થા વધુ સરળ અને લોકપ્રિય બની શકે છે.
સોનાના માલિક માટે આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ હોઈ શકે કે સોનું વેચ્યા વગર તેના પરથી આવક મેળવી શકાય. બીજી તરફ, સોનું જમા કરાવતા પહેલાં શુદ્ધતા, મૂલ્યાંકન, વ્યાજદર, લોક-ઇન સમયગાળો, વળતર અને જોખમ અંગેની શરતો સમજવી અત્યંત જરૂરી રહેશે. સરકાર માટે આ યોજના માત્ર ઘરેલુ રોકાણકારોને ફાયદો કરાવવાનો પ્રયાસ નથી. જો મોટા પ્રમાણમાં નિષ્ક્રિય સોનું વ્યવસ્થામાં આવે તો જ્વેલરી ઉદ્યોગને કાચા માલની ઉપલબ્ધતા વધે, સોનાની આયાતનો દબાણ ઘટે અને અર્થતંત્રમાં પડેલા નિષ્ક્રિય ધનનો વધુ ઉત્પાદક ઉપયોગ થઈ શકે છે. જોકે, આખરી સફળતા લોકોના વિશ્વાસ અને યોજનાની પારદર્શકતા પર નિર્ભર રહેશે.
FD જેવી વ્યવસ્થા, પણ સોનું વેચવાનું નહીં!
સામાન્ય FDમાં રોકાણકાર રૂપિયા જમા કરાવે છે અને તેના પર વ્યાજ મેળવે છે. પ્રસ્તાવિત ગોલ્ડ ડિપોઝિટ મોડલમાં સોનું જમા કરાવવાનું રહેશે. એટલે પરિવાર પાસે રહેલું સોનું વેચ્યા વગર તેની સામે આવક મેળવવાની તક મળી શકે છે. જોકે, FDની જેમ નિશ્ચિત વ્યાજદર મળશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.
સૌથી મોટો પ્રશ્ન—વ્યાજ કેટલું મળશે?
આ યોજનાની ચર્ચા શરૂ થતાં જ લોકોમાં સૌથી મોટો સવાલ વ્યાજદરનો રહેશે. હાલ કોઈ સત્તાવાર દર જાહેર થયો નથી. જૂની શોર્ટ ટર્મ ગોલ્ડ મોનેટિસેશન સ્કીમમાં વ્યાજદર બેંકો દ્વારા બજારની સ્થિતિ અને અન્ય ખર્ચને ધ્યાનમાં રાખીને નક્કી થતો હતો.
દાગીના જમા કરાવશો તો શું થશે?
સોનાના દાગીનામાં પથ્થર, મિશ્ર ધાતુ અને અન્ય સામગ્રી હોય છે. તેથી જમા કરતાં પહેલાં શુદ્ધતા અને વાસ્તવિક સોનાનું વજન નક્કી કરવું પડશે. જૂની વ્યવસ્થામાં સોનાની purity testing કરીને 995 finenessના ધોરણે ડિપોઝિટ નોંધાતું હતું.
સરકારને પણ મોટો ફાયદો
ભારતીય પરિવારો પાસે મોટી માત્રામાં સોનું નિષ્ક્રિય રીતે પડેલું છે. તેને ઔપચારિક અર્થતંત્રમાં લાવી શકાય તો સોનાની આયાતની જરૂરિયાત ઘટાડવામાં મદદ મળી શકે છે. સરકારની Gold Monetisation Schemeનો મૂળ હેતુ પણ ઘરો અને સંસ્થાઓ પાસે રહેલા સોનાને ઉત્પાદક ઉપયોગમાં લાવવાનો હતો.
જૂની સ્કીમ કેમ સફળ ન બની?
સરળતા અને વિશ્વાસનો અભાવ જૂની વ્યવસ્થાની મોટી મુશ્કેલી માનવામાં આવે છે. સોનું લઈને ટેસ્ટિંગ સેન્ટર, બેંક અને અન્ય પ્રક્રિયાઓમાંથી પસાર થવું સામાન્ય ગ્રાહકને મુશ્કેલ લાગતું હતું. સરકારના આંકડા મુજબ જૂની યોજનાની કામગીરી અપેક્ષા મુજબ ન રહેતાં 26 માર્ચ 2025થી મીડિયમ અને લોંગ ટર્મ ગવર્મેન્ટ્ ડિપોઝિટ બંધ કરાયા હતા.
રોકાણકારો માટે સાવચેતી સૌથી જરૂરી
‘ઘરનું સોનું વ્યાજ આપશે’ એવા સમાચારથી ઉત્સાહિત થઈને તાત્કાલિક કોઈ ઝવેરી કે ખાનગી સંસ્થાને સોનું સોંપવું યોગ્ય નથી. યોજના સત્તાવાર રીતે જાહેર થાય ત્યારબાદ જ માન્ય સંસ્થા, શુદ્ધતા પરીક્ષણ, વીમા, ડિપોઝિટ સર્ટિફિકેટ, વ્યાજદર અને પરત મેળવવાની શરતો તપાસવી જરૂરી રહેશે. ખાસ કરીને સોનું પરત સોનામાં મળશે કે રોકડમાં, તે નિયમ સૌથી મહત્વનો બની શકે છે.


