ગીરગઢડા પંથકમાં કુદરતનો નજારો: ઓગસ્ટ માં જ આંબા પર મોર ફૂટયા
સામાન્ય રીતે ડિસેમ્બર આસપાસ જોવમળતીઆંબા ની મંજરી ચાર મહિના વહેલી ફૂટી; વાતાવરણમાં બદલાવને લઈને ખેડૂતોમાં ચર્ચા
અગ્ર ગુજરાત, ઉના
ગીરગઢડા પંથકમાં કુદરતનો એક અનોખો અને આશ્ચર્યજનક નજારો જોવા મળ્યો છે. સામાન્ય રીતે શિયાળાની શરૂઆતમાં એટલે કે કારતક-માગશર મહિનાની આસપાસ આંબાના ઝાડ પર મોર એટલે કે મંજરી ફૂટતી હોય છે, ત્યારે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં જ આંબાના ઝાડ પર મોર ફૂટી નીકળતાં ખેડૂતોમાં ભારે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.
ગીરગઢડા પંથકમાં જીતુભાઈ કરશનભાઈ હિરપરા અનેરણછોડભાઈ મેધજીભાઈ હિરપરાનીવાડીમાં આંબા નો બગીચો આવેલો છે. આ બગીચામાં એકાદ નહીં પરંતુ ચાર જેટલા આંબાના ઝાડ ઉપર સમય કરતાં વહેલી મંજરી ફૂટી નીકળતાં કુદરતનો આ અનોખો નજારો જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં આસપાસના ખેડૂતો પણ આંબાના ઝાડ પર આવેલી મંજરી જોવા માટે પહોંચ્યા હતા.
ખેડૂત અગ્રણી બાલુભાઈ હિરપરાના જણાવ્યાઅનુસાર સામાન્ય રીતે આંબાના ઝાડ પર મોર ડિસેમ્બર મહિનાની આસપાસ જોવા મળતો હોય છે. આંબાના પાક માટે આ સમયગાળો સામાન્ય ગણાય છે. પરંતુ ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં જ આંબા પર મોર ફૂટી નીકળતાં આ ઘટના સામાન્ય કરતાં આશરે ત્રણથી ચાર મહિના વહેલી હોવાનું તેમણે જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. વરસાદની પેટર્ન, તાપમાનમાં વધ ઘટ અને ઋતુચક્રમાં થતા ફેરફારોની સીધી કે આડકતરી અસર ખેતી અને બાગાયતી પાકો પર પણ જોવા મળે છે. ત્યારે આંબાના ઝાડ પર સમય કરતાં ચાર મહિના વહેલી મંજરી ફૂટવાની ઘટનાને લઈને ખેડૂતોમાં પણ વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.
ખેડૂતોનું માનવું છે કે ઋતુચક્રમાં થઈ રહેલા બદલાવના કારણે આંબાના ઝાડની કુદરતી પ્રક્રિયામાં પણ ફેરફાર થઈ શકે છે. જોકે, આ પ્રકારની વહેલી મંજરી પાક માટે ફાયદાકારક સાબિત થશે કે નુકસાનકારક, તે અંગે હાલ ખેડૂતોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.
આંબા જેવા બાગાયતી પાકમાં મોર ફૂટવાનો સમય પાકના ઉત્પાદન માટે ખૂબ મહત્વનો હોય છે. જો સમય કરતાં વહેલી મંજરી ફૂટે અને ત્યારબાદ વાતાવરણમાં અચાનક ફેરફાર થાય તો મંજરી તથા આવનારા ફળ પર તેની અસર પડી શકે તેવી ખેડૂતોમાં ચિંતા છે. ખાસ કરીને વરસાદ, ભેજ અને તાપમાનમાં થતા ફેરફારોની અસર આંબાની મંજરી પર કેવી પડે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
એક તરફ ઓગસ્ટ મહિનામાં આંબા પર મોર ફૂટવાની ઘટના ખેડૂતો માટે કુતૂહલ અને આશ્ચર્યનો વિષય બની છે, તો બીજી તરફ બદલાતી ઋતુ અને વાતાવરણને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે.આંબાના ઝાડ પર સામાન્ય સમય કરતાં ચાર મહિના વહેલી મંજરી ફૂટતાં ગ્રામ્ય વિસ્તારમાં તેને લઈને અલગ-અલગ પ્રકાર ની ચર્ચાઓ પણ શરૂ થઈ છે. કેટલાક લોકોતેનેબદલાતા કુદરતી વાતાવરણનું પરિણામ માની રહ્યા છે, જ્યારે કેટલાક ખેડૂતો અને ગ્રામજનો તેને કુદરતમાં આવી રહેલા અસામાન્ય ફેરફારો સાથે જોડી રહ્યા છે. કેટલાક લોકોમાં તો આ ઘટનાને ‘કલિયુગના સંકેત’ તરીકે જોવા ની પણ ચર્ચા ચાલી રહી છે.
હાલ આંબાના ચાર ઝાડ પર વહેલી મંજરી ફૂટવાની ઘટનાએ ગીરગઢડા પંથકના ખેડૂતોમાં કુતૂહલ જગાવ્યું છે. હવે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહે છે અને આ વહેલી મંજરીમાંથી આંબાનો પાક કેટલો આવે છે તેના પર ખેડૂતોની નજર રહેશે.


