કિચનના લાઇવ દ્રશ્યો રિસેપ્શનમાં જ ગ્રાહકોને દેખાડવા કરાયા કડક આદેશ
ખાદ્ય સુરક્ષાની કામગીરીમાં પારદર્શિતા લાવવા રેસ્ટોરન્ટ-હોટેલ માલિકોને નિર્દેશ
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ગ્રાહકોને સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાની કામગીરીમાં વધુ પારદર્શિતા લાવવા 11,123 રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને રસોડામાં CCTV લગાવી તેનું લાઈવ પ્રસારણ રિસેપ્શન અને ગ્રાહકોની બેઠક વ્યવસ્થા પાસે રાખવા ઈ-મેઈલથી આદેશ કર્યો છે.
19 ઓગસ્ટના રોજ ચેકિંગ સમયે FSSAIના નિયમોનું ઉલ્લંઘન, અસ્વચ્છતા, જીવાત અને ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી મળતા કોલેજ કેન્ટીન સહિત જાણીતા આઉટલેટ્સને સીલ કર્યા હતા. નિયમ ભંગ કરતા એકમો સામે લાયસન્સ રદ સહિતની કાર્યવાહીની ફૂડ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે.
ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, Food Safety and Standards Act, 2006 તથા FSSAI ની ગાઈડલાઈન્સ મુજબ દરેક એકમે રસોડાની સ્વચ્છતા, ફૂડ હેન્ડલર્સની વ્યક્તિગત હાઈજીન, કાચા અને રાંધેલા ખોરાકનું અલગ સ્ટોરેજ, પીવા અને રસોઈ માટે સલામત પાણી, નિયમિત પેસ્ટ કંટ્રોલ અને કચરાના યોગ્ય નિકાલનું પાલન કરવું ફરજિયાત છે.
ગ્રાહકો પોતાની નજરે રસોડાની કામગીરી જોઈ શકે તે માટે સીસીટીવીનું લાઈવ ફિડ દર્શાવવાનું રહેશે. આ ઉપરાંત ખાદ્ય પદાર્થોને ધૂળ, જીવાત તથા અન્ય દૂષિતથી સુરક્ષિત રાખવા, માત્ર નિર્ધારિત કૂડ કલર વાપરવા અને રસોઈમાં ખાવાના તેલનો યોગ્ય ઉપયોગ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. બેદરકારી અથવા નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. ગંભીર અથવા વારંવારના ઉલ્લંઘનના કિસ્સામાં લાયસન્સ રદ કરી એકમ સીલ પણ કરવામાં આવી શકે છે.
ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન સૈજપુર બોઘા સ્થિત મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજમાં ચાલતી ‘RKR કેટરર્સ’ની કેન્ટીનમાં FSSAI લાયસન્સનો અભાવ, ગંદકી અને ખાદ્ય પદાર્થોમાં કીડી-ધનેરા જેવી જીવાત મળી આવતાં તેને સીલ કરવામાં આવી છે.


