પડધરીની સરકારી કોલેજના આચાર્ય સામે ગેરહાજરી અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ: વિદ્યાર્થી નેતા નિખીલ ભોજાણીની લેખિત રજૂઆત
પગાર બિલ કે સહી કરવા પૂરતા જ હાજર રહેતા હોવાનો દાવો; ખોટા TA/DA બિલ મુકવા તેમજ સ્વજનોના નામે ગ્રાન્ટ બારોબાર વટાવી લેવાના આક્ષેપોથી ખળભળાટ
અગ્ર ગુજરાત, પડધરી
પડધરી સ્થિત ‘કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણિયજ્ય કોલેજ’ના પ્રિન્સિપાલ ડો. કમલ છાયાની સતત ગેરહાજરી અને નાણાકીય ભ્રષ્ટાચાર અંગે વિદ્યાર્થી નેતા નિખીલ ભોજાણી, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં સણસણતી રજૂઆત કરવામાં આવી છે. આચાર્યની બેદરકારીના કારણે કોલેજનું વહીવટી અને શૈક્ષણિક માળખું સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હોવાના આક્ષેપો કરાયા છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, પ્રિન્સિપાલ ડો. કમલ છાયા માત્ર મહિનાનું પગાર બિલ બનાવવાનું હોય કે સહી કરવાની હોય ત્યારે જ રાજકોટથી આવીને સહી કરી પરત જતા રહે છે. છેલ્લા દોઢ મહિનામાં તેઓ માત્ર ૧ થી ૨ દિવસ જ કોલેજ આવ્યા છે. વિદ્યાર્થીઓ કે આગેવાનો જ્યારે પૂછપરછ કરે ત્યારે અધ્યાપકો દ્વારા તેઓ મેડિકલ રજા પર કે ગાંધીનગર સરકારી કામે હોવાના ‘ઉડાઉ’ જવાબો આપવામાં આવે છે. જો તેઓ મેડિકલ રજા પર હોય તો નિયમ મુજબ અન્ય અધિકારીને ચાર્જ સોંપવો પડે, જે પણ સોંપવામાં આવ્યો નથી. પ્રવેશ ઉત્સવ અને પ્લેસમેન્ટ જેવા મહત્વના કાર્યક્રમોમાં પણ તેમની ગેરહાજરી જોવા મળે છે.
કોલેજમાં બહેનોના બાથરૂમના તૂટેલા દરવાજા, પીવાના પાણીની સમસ્યા અને વિષય પસંદગી જેવા અનેક પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. સરકારી ગ્રાન્ટ આવતી હોવા છતાં, સુવિધાઓ સંગાથે રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓને “તમે બધા ફંડ ભેગું કરી આપો” તેવા બેજવાબદાર જવાબો આપવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.
આચાર્ય સામે નાણાકીય ગોટાળાના આકરા આક્ષેપો કરતા જણાવવામાં આવ્યું છે કે હેડક્વાર્ટર પડધરી હોવા છતાં ગાંધીનગર રહેતા આચાર્ય દર મહિને ૨૫ થી ૩૦ હજાર રૂપિયાનું ખોટું TA/DA બિલ મૂકે છે. સરકારી ગ્રાન્ટમાંથી પોતાના પુત્ર, પુત્રવધૂ અને પરિવારના સભ્યોના ઓનલાઇન લેક્ચર બતાવી ખોટી રીતે નાણાં મેળવવામાં આવે છે. આચાર્ય પોતે પણ પોતાની જ કોલેજમાંથી આવા લેક્ચરના પૈસા લે છે. યુનિવર્સિટી પરીક્ષામાં ગેરહાજર હોવા છતાં છેલ્લા ૨ વર્ષથી ‘ચીફ સુપરવાઇઝર’ તરીકેનું ભથ્થું પોતે ઉપાડે છે.
અગાઉ મોરવા હડફ અને ગાંધીનગરની કોલેજોમાં પણ આવા જ ભ્રષ્ટાચાર બદલ તેમનું ઇન્ક્રીમેન્ટ બંધ કરવામાં આવ્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સ્થાનિકો અને વિદ્યાર્થી નેતાઓએ માંગ કરી છે કે આચાર્ય નિયમિત કોલેજ આવે અથવા તાત્કાલિક રાજીનામું આપે, તેમજ આ તમામ નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.


