મોરબી જમીન દફતર વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓનું ૧૧ સપ્ટેમ્બરે ‘પેનડાઉન’ હડતાળનું અલ્ટીમેટમ
ગ્રેડ પે સહિતની પડતર માંગણીઓ ન સંતોષાતાં સુપ્રિન્ટેન્ડન્ટ અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું; પ્રશ્નો ન ઉકેલાય તો એક મહિના પછી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી
અગ્ર ગુજરાત, મોરબી
મોરબી જિલ્લા લેન્ડ રેકોર્ડ (જમીન દફતર) વિભાગના વર્ગ-૩ ના કર્મચારીઓએ પોતાના લાંબા સમયથી પડતર પ્રશ્નો અને ગ્રેડ પેના મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો છે. યોગ્ય નિરાકરણ ન આવતાં નારાજ થયેલા કર્મચારીઓએ આગામી ૧૧ સપ્ટેમ્બરના રોજ ‘પેનડાઉન’ હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી છે. આ સંદર્ભે કર્મચારી યુનિયન દ્વારા મોરબી જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ મયુરભાઈ કરમટા તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પોતપોતાની માંગણીઓ અંગે કડક અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
૧૧ સપ્ટેમ્બરે ફરજ પર હાજર રહીને કામગીરીથી અળગા રહેશે રાજ્યભરના જમીન દફતર વિભાગના સર્વેયર અને સીનિયર સર્વેયરને મળતા ગ્રેડ પેમાં અન્યાય થતો હોવાની બાબતે કર્મચારીઓ અગાઉ પણ અનેક રજૂઆતો કરી ચૂક્યા છે. સરકાર દ્વારા આ મુદ્દે યોગ્ય ઉકેલ ન લાવવામાં આવતાં કર્મચારીઓએ વિરોધનો માર્ગ અપનાવ્યો છે. આગામી ૧૧ સપ્ટેમ્બરે તમામ વર્ગ-૩ ના કર્મચારીઓ કચેરીમાં ફરજ પર હાજર રહેશે, પરંતુ તમામ પ્રકારની કામગીરીથી અળગા રહીને ‘પેનડાઉન’ હડતાળ પાળશે.
એક મહિના બાદ અચોક્કસ મુદતની હડતાળની વિરોધત્મક ચીમકી કર્મચારી મંડળે આવેદનપત્રમાં સ્પષ્ટતા કરી છે કે જો ૧૧ સપ્ટેમ્બરની સાંકેતિક હડતાળ બાદ પણ સરકાર તરફથી ઉદાસીન વલણ દાખવવામાં આવશે અને ગ્રેડ પેનો ઉકેલ નહીં લાવવામાં આવે, તો આગામી એક મહિના પછી રાજ્ય મંડળના આદેશ મુજબ સમગ્ર રાજ્ય સાથે મોરબી જિલ્લાના કર્મચારીઓ પણ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે.


