અમરેલીના વરસડા ગામમાં 100 એકર જગ્યામાં “સંજીવ વન”નું નિર્માણ
દુબઈ સ્થિત કૃષ્ણકાંત મહેતા પરિવારના ₹1.5 કરોડના અનુદાનથી 5,000 વૃક્ષોનું વાવેતર
“સંજીવ વન”નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ હાજરીમાં લોકાર્પણ
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલીના વરસડા ગામમાં દુબઈ સ્થિત સંજીવ ઈન્દિરા કૃષ્ણકાંત મહેતા પરિવારના ₹1.5 કરોડના માતબર અનુદાનથી 100 એકર વિસ્તારમાં “સંજીવ વન”નું નિર્માણ કરી 5,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. દરેક વૃક્ષને પીંજરા સાથે ત્રણ વર્ષ સુધી નિયમિત પાણી આપવાની, જાળવણી કરવાની, રક્ષણ આપવાની અને વૃક્ષોના યોગ્ય ઉછેરની જવાબદારી નિભાવવામાં આવશે. પર્યાવરણ સંરક્ષણ, અમરેલી જીલ્લાની ધરતીને હરિયાળી કરવા અને આવનારી પેઢીઓ માટે સ્વચ્છ તથા સમૃદ્ધ કુદરતી વાતાવરણ ઊભું કરવાના હેતુથી દાતાના સહયોગથી સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા અમરેલી જિલ્લાના વરસડા ગામમાં વિશાળ વૃક્ષારોપણ પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે. વિદેશમાં હોવા છતા માં ભારતીને લીલી ઓઢણી ઓઢાડવાના ઉમદા મનોરથ સાથે સંજીવ ઈન્દિરા કૃષ્ણકાંત મહેતા પરિવારનું પર્યાવરણ લક્ષી સત્કાર્ય કરવામાં આવ્યું.
સંજીવ ઈન્દિરા કૃષ્ણકાંત મહેતા પરિવારના પર્યાવરણલક્ષી સત્કાર્યના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી કૌશિકભાઈ વેકરિયા સહિત અનેક આગેવાનો, પર્યાવરણ પ્રેમીઓ અને સેવાભાવી વ્યક્તિઓએ ઉપસ્થિત રહી આ પર્યાવરણલક્ષી અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું.
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા અમરેલી જીલ્લાના વરસડા ગામમાં 250 એકર વિસ્તારમાં 12,000થી વધુ વૃક્ષો ઉછેરવાનું લક્ષ્ય છે જે પૈકી વરસડા ગામમાં અત્યાર સુધીમાં આશરે 100 એકર વિસ્તારમાં 5,000 વૃક્ષોના વાવેતરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વૃક્ષારોપણ દ્વારા અમરેલી જીલ્લામાં હરિતક્રાંતિ સર્જાશે. પ્રથમ તબક્કામાં દાતાશ્રીઓના ₹1.5 કરોડના માતબર અનુદાનથી 5,000 વૃક્ષો વાવવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવેલ છે.
250થી વધુ કર્મચારીઓની ટીમ દ્વારા માત્ર 7 દિવસના ટુકા ગાળામાં 100 એકર વિસ્તારમાં 15થી વધુ મશીનરી, જેમાં JCB, ટ્રેક્ટર, પાણીના ટેન્કર, પીકઅપ, બોલેરા સહિતનાં વાહનોનો ઉપયોગ કરી આ વિશાળ કામગીરીને ખુબજ ખંત પૂર્વક જડપથી પૂર્ણ કરવામાં આવી છે.


