યાત્રાધામ વીરપુરમાં ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત THR અને મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઈ
આંગણવાડી કાર્યકરોએ પૌષ્ટિક વાનગીઓ બનાવી આપ્યો પોષણનો સંદેશ; ઉત્કૃષ્ટ વાનગીઓ બનાવનાર બહેનોને પ્રોત્સાહિત કરાયા
અગ્ર ગુજરાત, વીરપુર
સૌરાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ વીરપુર ખાતે ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત ટી.એચ.આર. (THR – ટેક હોમ રાશન) તથા મિલેટ્સ (શ્રીધાન્ય) આધારિત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેતપુર તાલુકાના મેવાસા સેજા હેઠળ વીરપુરના કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનોએ ભારે ઉત્સાહભેર ભાગ લઈ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક વાનગીઓ રજૂ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી પહેલથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ જાહેર કરાયા બાદ તંદુરસ્ત સમાજના નિર્માણ અર્થે આવા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી અને પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં આંગણવાડી બહેનોએ વિવિધ પ્રકારના ધાન્ય અને THR માંથી પૌષ્ટિક વાનગીઓ બનાવી હતી. નિર્ણાયક કમિટી દ્વારા યોગ્ય મૂલ્યાંકન કરીને શ્રેષ્ઠ વાનગીઓ તૈયાર કરનાર સ્પર્ધકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા જાહેર કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
દરમિયાન સુપરવાઈઝર બંસરીબેન સાવલિયાએ મિલેટ્સના સ્વાસ્થ્યવર્ધક ફાયદા અને દૈનિક આહારમાં તેના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે વીરપુર ગામના સરપંચ રમેશભાઈ સરવૈયા, જિલ્લા પંચાયત સદસ્ય દીપકભાઈ ગાજીપરા, તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ કોઠારી, રમેશભાઈ શેખ, આંગણવાડી કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધાએ બાળકો, મહિલાઓ અને સમગ્ર સમાજમાં સુપોષણ અંગે જાગૃતિ ફેલાવવામાં અગત્યની ભૂમિકા ભજવી છે.


