ગોંડલમાં ગેરકાયદેસર ઇનામી ડ્રો ચલાવનાર શખ્સની અટકાયત
કૈલાશબાગ સોસાયટીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી ઇનામી ડ્રોની ૭૩ ટિકિટ બુક, હિસાબનો ચોપડો અને મોબાઇલ કબજે કરાયો
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કૈલાશબાગ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી લલચામણી ઇનામી યોજનાની ટિકિટો છપાવી ગ્રાહકો પાસેથી રોકડ નાણાં મેળવવાના ઇરાદે ગેરકાયદેસર રીતે ઇનામી ડ્રો ચલાવનાર એક શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ ગ્રામ્ય દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS)ની સૂચના મુજબ છેતરપિંડીના ગુનાઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે LCB રાજકોટ ગ્રામ્ય દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ગોંડલ કૈલાશબાગ સોસાયટી શેરી નં. ૩/૧૦માં રહેતા રોહીતભાઈ પોપટભાઈ સોજીત્રા (ઉ.વ. ૪૭) પોતાના રહેણાંક મકાનમાંથી ‘કૃષ્ણા ગ્રુપ આયોજિત શ્રી ગણેશ મહોત્સવ’ નામની લલચામણી ઇનામી યોજનાની ટિકિટો છપાવી તેનું વેચાણ કરતા હતા અને ગેરકાયદેસર રીતે ઇનામી ડ્રો ચલાવતા હોવાની ખાનગી બાતમી LCB સ્ટાફને મળી હતી.
બાતમીના આધારે LCB રાજકોટ ગ્રામ્યની ટીમે આરોપીના રહેણાંક મકાન ખાતે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ઇનામી ડ્રોની ટિકિટ વેચાણની બુક નંગ-૭૩, ટિકિટોના વેચાણનો હિસાબ રાખવાનો ચોપડો તથા ઓપો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિંમત રૂ. ૫,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.
કામગીરી કરનાર અધિકારીઓ : LCB રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવ, PSI કે.એમ. ચાવડા, PSI એચ.સી. ગોહીલ, PSI આર.વી. ભીમાણી, PSI પી.એન. ભરવાડ, ASI બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ASI ઇન્દ્રસિંહ જાડેજા, ASI જયવીરસિંહ રાણા, ASI અનિલભાઈ ગુજરાતી, IIC પ્રહલાદસિંહ રાઠોડ, IIC ધર્મેન્દ્રભાઈ ચાવડા, IIC ભગીરથસિંહ જાડેજા, PC રણજીતભાઈ બોરડ, PC વિજયભાઈ ખડીયા, PC ભાવેશભાઈ મકવાણા તથા વિજયભાઈ સીંહાર સહિતની ટીમે કામગીરી કરી હતી.


