રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના સાંનિધ્યે પાટીદાર પરિવારોમાં સ્નેહ અને ક્ષમાનો સેતુ સર્જાયો
જેને પરિવારમાં પ્રસન્ન રહેતાં આવડે, એને જ પરમાત્માને પ્રસન્ન કરતાં આવડે.” : પરિવારની પ્રસન્નતા માટે માત્ર સંપતિ જ નહીં પણ એકબીજાને સમય આપવો પણ જરૂરી હોય છે.
પારકાને પોતાના બનાવવા માટે સાંભળવાની ગ્રહણશક્તિ જોઈએ, પોતાને પોતાના બનાવી રાખવા માટે સહનશક્તિ જોઈએ
અગ્ર ગુજરાત, રાજકોટ
જનમાત્રનું જે ધ્યાન રાખે તે જૈન અને જૈન ગુરુ માત્ર જૈનોના નહીં, પણ જનમાત્રના ગુરુ હોય છે. આ સૂત્રને ચરિતાર્થ કરતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજના પાવન સાંનિધ્યે શ્રી વિલેપાર્લે પાટીદાર મંડળ દ્વારા પારિવારિક પ્રેમ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી વિલેપાર્લે પાટીદાર મંડળના પ્રમુખ અને શ્રી વિલેપાર્લે કેળવણી મંડળના ટ્રસ્ટી ભાર્ગવભાઈ પટેલની ભાવભીની વિનંતીનો સ્વીકાર કરીને પાટીદાર પરિવારોને બોધ પમાડવા પધારેલા પરમ ગુરુદેવનાં બોધવચનોનો લાભ લેવા અનેક પરિવારો ભક્તિભાવે ઉપસ્થિત રહ્યા હતા.
મંત્ર સાધનાના દિવ્ય ધ્વનિ સાથે સહુને બોધ આપતાં પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, જે પરિવારમાં સ્વજનો વચ્ચે પરસ્પર ઉપકારભાવના હોય તે પરિવાર સદા ગાર્ડનની જેમ ખીલેલો અને શાંતિ-સમાધિથી સમૃદ્ધ હોય છે. સામેવાળાની સમજ પ્રમાણે સમજીને ચાલનારા પરિવારમાં પ્રોબ્લેમને કોઈ સ્થાન હોતું નથી. પરિવારની પ્રસન્નતા માટે માત્ર સંપત્તિ જ નહીં, પણ એકબીજાને સમય આપવો પણ જરૂરી છે.
આ અવસરે પરમ ગુરુદેવના શરણમાં દીક્ષા અંગીકાર કરવા તત્પર મુમુક્ષુ યશ્વીબેન મહેતા, મુમુક્ષુ જાનવીબેન શાહ અને મુમુક્ષુ તન્મયાબેન રાજપૂતનું ભાવભીનું સ્વાગત કરીને શ્રી વિલેપાર્લે પાટીદાર મંડળના માલિનીબેન પટેલ, ડૉ.રાજુલબેન પટેલ, રાગિનીબેન મહેતા, જીતાબેન માસ્ટર, શિલ્પાબેન પરિખ અને હીનાબેન માણેક દ્વારા તેમની ત્યાગભાવનાનું સન્માન કરવામાં આવ્યું હતું. મુમુક્ષુ જાનવીબેન શાહે અંતરના સંયમભાવોની સુંદર અભિવ્યક્તિ કરી હતી. ભાર્ગવભાઈ પટેલે પણ પોતાના ભાવોની અભિવ્યક્તિ કરતાં જીવનમાં ગુરુની આજ્ઞાના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને પરમ ગુરુદેવ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો હતો.


