- ઈરાનના વ્યસન મુક્તિ કેન્દ્રમાં ભીષણ આગ
- 32ના મોત અન્ય 17 લોકો ગંભીર રીતે દાઝ્યા
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
ઈરાનમાં આવેલા એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની ઘટનામાં 32 લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ શુક્રવારે ઉત્તરી ઈરાનના વ્યસન મુક્તિ કેન્દ્રમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. આગ પાછળનુ ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યુ નથી પણ તેમાં 32 લોકોના મોત થયા છે.વહેલી સવાર આગ લાગી હોવાથી મોટા ભાગના લોકો સુતેલા હતા અને તેના કારણે તેઓ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ એક ખાનગી વ્યસન મુકિત કેન્દ્ર છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, લેંગરુડ શહેરમાં સ્થિત નશા મુક્તિ કેન્દ્રમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આ સેન્ટરમાં 40 લોકોની ક્ષમતા છે. પોલીસે મેનેજરને કસ્ટડીમાં લીધો છે. હાલ આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. અધિકારીઓના કહેવા પ્રમાણે કેન્દ્રમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને ઈમરજન્સીની સ્થિતિમાં પહોંચી વળવા માટે પૂરતા સાધનો નહોતા.
ઈરાનમાં આ પ્રકારે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. સપ્ટેમ્બરમાં ઈરાનના રક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત કાર બેટરી બનાવતી ફેકટરીમાં પણ આ રીતે આગ લાગી હતી. જોકે તે વખતે કોઈનો જીવ નહોતો ગયો.


