RMCના ‘શરદોત્સવ’નો ફિયાસ્કો: અડધાથી વધુ ખુરશીઓ ખાલી રહી
૪ હજારની અપેક્ષા સામે માંડ ૨૫૦૦ લોકો પહોંચ્યા, જેમાં પણ ૫૦૦ તો કોર્પોરેશનના કર્મચારીઓ જ હતા!
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કવિ રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ મેદાનમાં ‘શરદોત્સવ–૨૦૨૬’ અંતર્ગત ‘શરદ પૂનમની રાતલડી રંગ ડોલરીયો’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સના પૈસાથી કરાયેલા આ આડેધડ ખર્ચ વચ્ચે કાર્યક્રમનો ખુલ્લેઆમ ફિયાસ્કો થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સામાન્ય જનતાની અડધાથી વધુ ખુરશીઓ ખાલીખમ જોવા મળી હતી, જે તંત્રની નિષ્ફળતાની પોલ ખોલી નાખે છે.
કાર્યક્રમ શરૂ થતા પહેલાં સાંસ્કૃતિક વિભાગના ચેરમેન મનીષ ભટ્ટે ૪,૦00 લોકો ઉપસ્થિત રહેવાની અને બેસીને કાર્યક્રમ માણવાની મોટા ઉપાડે શક્યતાઓ વ્યક્ત કરી હતી. સુપ્રસિદ્ધ કંકણ ગ્રુપના ગરબા, અમરેલીની જેસિંગપરા રાસ મંડળી અને કારડિયા રાજપૂત સમાજની કૃતિઓ રજૂ થવાની હતી. પરંતુ વાસ્તવિકતા એ રહી કે કાર્યક્રમ શરૂ થયાની એક કલાક બાદ પણ સ્ટેજ સામે ગોઠવવામાં આવેલી અડધાથી વધુ ખુરશીઓ ખાલી હતી. તંત્રના દાવા સામે માંડ ૨,૫૦૦ લોકો જ હાજર રહ્યા હતા. એટલું જ નહીં, આ હાજર રહેલા લોકોમાં પણ અંદાજે ૫૦૦ જેટલા તો ખુદ કોર્પોરેશનના કર્મચારીઓ અને શાસક પક્ષના કાર્યકરો હતા!
સામાન્ય પ્રજા તો દૂર રહી, પરંતુ ખાસ આમંત્રિતો માટે નાખવામાં આવેલા વીઆઈપી સોફા પણ ખાલી જોવા મળ્યા હતા. શરદ પૂનમના પાવન અવસરે પરંપરાગત રીતે તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ દૂધપૌવા આરોગવા માટે પણ નગરજનોએ જરાય ઉત્સાહ ન દાખવ્યો, જેના કારણે પ્રસાદીનો મોટા પ્રમાણમાં બગાડ થયો હોવાની આશંકા છે. ₹૭.૨૫ લાખના ટેન્ડર તેમજ મંડપ વગેરેના રેટ કોન્ટ્રાક્ટના ખર્ચ મળીને આ આયોજન પાછળ ₹૧૦ લાખથી વધુનો ધુમાડો કરવામાં આવ્યો છે.
તાજેતરમાં જ મળેલા જનરલ બોર્ડમાં સ્વીકાર કરાયો હતો કે ગત વર્ષે મનપા દ્વારા આવા વિવિધ કાર્યક્રમો પાછળ ₹૧૯ કરોડથી વધુનો આડેધડ ખર્ચ કરાયો છે, જેને લઈને તંત્રની ભારે આલોચના થઈ હતી. જંગલેશ્વર ડિમોલિશનના વિવાદ બાદ તપાસ સમિતિ રચાઈ હોવા છતાં, નવનિયુક્ત શાસકોએ શરદોત્સવના નામે વધુ લાખો રૂપિયાનો ધુમાડો કરીને એ સાબિત કરી દીધું છે કે તંત્ર ભૂતકાળની ભૂલોમાંથી ક્યારેય શીખવા માંગતું નથી!


