RMCની એક સપ્તાહમાં ૬૮ હજારથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી
૧૯ થી ૨૫ ઑક્ટોબર દરમિયાન ડેન્ગ્યુના ૬ કેસ નોંધાયા; મચ્છર ઉત્પત્તિ બદલ રહેણાંક અને કોમર્શિયલ એકમોને નોટિસો ફટકારી વહીવટી ચાર્જ વસુલાયો
અગ્ર ગુજરાતન, રાજકોટ
શહેરમાં મચ્છરજન્ય અને મોસમી રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સતત સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. તા.૧૯ થી તા.૨૫ દરમિયાન મચ્છર અટકાયતી અને વાહક નિયંત્રણની કામગીરી અંતર્ગત આરોગ્ય વિભાગે શહેરભરમાં મોટા પાયે ચેકિંગ અને સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. ડૅન્ગ્યુ ફેલાવનાર એડીસ મચ્છર દિવસના સમયે કરડતો હોવાથી અને તેનો ફેલાવો ઝડપથી થતો હોવાથી, નાગરિકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અને આસપાસ ચોખ્ખું પાણી એકઠું ન થવા દેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
આરોગ્ય શાખા દ્વારા તા. ૧૯ થી ૨૫ ઑક્ટોબર દરમ્યાન ફિલ્ડવર્કરો, અર્બન આશા અને MPHW દ્વારા કુલ ૬૮,૪૦૩ ઘરોમાં જઈને પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારો તથા સંવેદનશીલ સોસાયટીઓમાં વાહન માઉન્ટેડ અને ફિલ્ડવર્કરો દ્વારા ૮૯૪ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળી આવવા બદલ જવાબદાર આસામીઓને નોટિસો આપવામાં આવી છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાયના ૨૩૮ પ્રીમાઈસીસ (બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ વગેરે) ની ચકાસણી કરાઈ હતી. મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાંકના ૧૫૮ અને કોમર્શિયલના ૫૦ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ સપ્તાહ દરમિયાન નોંધાયેલા અન્ય રોગચાળાના કેસોમાં શરદી – ઉધરસના કેસ ૮૮૨ (વર્ષના કુલ: ૩૩,૬૯૮), સામાન્ય તાવના કેસ ૭૬૭ (વર્ષના કુલ: ૩૧,૭૬૯), ઝાડા – ઉલટીના કેસ ૧૩૮ (વર્ષના કુલ: ૧૧,૨૪૩), ટાઈફોઈડ તાવના કેસ વર્ષના કુલ ૪૦, કમળા તાવના કેસ વર્ષના કુલ ૪૨ કેસ નોંધાયા છે.


