- ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ યથાવત
- એન્ટની બ્લિંકન ત્રીજી વખત તેલ અવીવની મુલાકાતે
- “હમાસના આતંકીઓનો નાશ ન થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે”
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ લડાઈ સ્વરક્ષણની લડાઈ છે અને જ્યાં સુધી હમાસનો નાશ ન થાય ત્યાં સુધી તે ચાલુ રહેશે. ઈઝરાયેલે કહ્યું કે જો અમે આવું નહીં કરીએ તો હમાસ અમારા પર એક પછી એક બર્બર હુમલા કરવાનું ચાલુ રાખશે. ઇઝરાયેલ સરકારનું આ નિવેદન હમાસના ટોચના નેતાની ધમકી બાદ આવ્યું છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ યથાવત
ઈઝરાયેલના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિયોર હયાતે કહ્યું કે આ એક યુદ્ધ છે જે હમાસના બર્બર હુમલા બાદ સ્વરક્ષણમાં શરૂ થયું હતું. ઈઝરાયેલનો ઉદ્દેશ્ય ગાઝા પટ્ટી પરથી હમાસના નિયંત્રણને ખતમ કરવાનો છે. હયાતે કહ્યું કે 7 ઓક્ટોબરે અમે હમાસ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું. આ બર્બર હુમલા બાદ સ્વબચાવની લડાઈ છે. હમાસનો ખાત્મો હવે આપણા માટે અસ્તિત્વની લડાઈ છે. હયાતે કહ્યું હતું કે ‘જો અમે આવું નહીં કરીએ તો હમાસ એક પછી એક નરસંહાર કરવાનું ચાલુ રાખશે. અમે આ નથી કહી રહ્યા, પરંતુ હમાસના નેતૃત્વએ કહ્યું છે કે તેઓ 7 ઓક્ટોબરની જેમ હત્યાકાંડ કરવાનું ચાલુ રાખશે. નોંધનીય છે કે હમાસના એક ટોચના નેતાએ 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે જો તક આપવામાં આવશે તો તેઓ ઈઝરાયેલનો નાશ ન થાય ત્યાં સુધી ફરીથી આવા હુમલાઓ કરતા રહેશે.
હમાસના ટોચના નેતાએ ઈઝરાયેલને ધમકી આપી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હમાસની રાજકીય પાંખના સભ્ય ગાઝી હમાદે લેબનીઝ ટેલિવિઝન ચેનલ સાથેની વાતચીતમાં આ વાત કહી. ઈન્ટરવ્યુ દરમિયાન હમાદે કહ્યું કે ઈઝરાયેલ એક એવો દેશ છે જેનું આપણી ધરતી પર કોઈ સ્થાન નથી. આપણે તેને ખતમ કરવું પડશે કારણ કે તે આરબ અને ઇસ્લામિક દેશોમાં રાજકીય, સૈન્ય અને સુરક્ષા વિનાશ લાવી શકે છે અને અમને તે કહેવામાં શરમ નથી.
હમાસના હુમલા બાદ એન્ટની બ્લિંકન ત્રીજી વખત તેલ અવીવની મુલાકાતે
અમેરિકાના વિદેશ મંત્રી શુક્રવારે ફરી એકવાર તેલ અવીવ પહોંચ્યા. હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ તેલ અવીવની આ તેમની ત્રીજી મુલાકાત છે. પોતાની મુલાકાત દરમિયાન એન્ટની બ્લિંકન ઈઝરાયેલના ટોચના નેતાઓને મળશે. ઈઝરાયેલ બાદ અમેરિકાના વિદેશ મંત્રી જોર્ડનની મુલાકાત લેશે. ઈઝરાયેલ પહોંચ્યા બાદ એન્ટની બ્લિંકને ફરી એકવાર ઈઝરાયેલને શક્ય તમામ મદદ પૂરી પાડવાના વચનનો પુનરોચ્ચાર કર્યો હતો.


