વોર્ડ નં.૧૫માં સફાઇ અને કચરાના નિકાલ માટે મનપાનો ગોબરો વહિવટ
કચરાની ગાડી અનિયમિત હોવાનો અને ફરિયાદ નિવારણ માટે અધિકારીઓની એકબીજા પર ખો આપવાની વૃત્તિનો આક્ષેપ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15માં સફાઇ વ્યવસ્થા અને કચરાના નિકાલ અંગે નાગરિકોને પડતી મુશ્કેલીઓ બાબતે વોર્ડ નં.૧૫ના કોર્પોરેટર મનીષાબેન પ્રવિણભાઇ રોજાસરા દ્વારા તંત્ર સમક્ષ ગંભીર રજૂઆત કરવામાં આવી છે.
કોર્પોરેટર મનીષાબેને જણાવ્યું છે કે વોર્ડ નં.૧૫માં કચરાની ગાડી આવવાનો કોઇ નિશ્ચિત સમય ન હોવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કચરાની ગાડી ગમે ત્યારે આવી જાય છે જેના કારણે નાગરિકોને કચરો નિકાલ કરવામાં મુશ્કેલી પડે છે. કચરાની ગાડીના સમય અંગે કોઇ નિયમિત સમયપત્રક કે અગાઉથી જાણ કરવાની વ્યવસ્થા પણ જોવા મળતી નથી.
આ ઉપરાંત વોર્ડની સફાઇ અંગે અધિકારીઓને રજૂઆત કરવામાં આવે ત્યારે જવાબદારી સ્વીકારવાને બદલે એક અધિકારી બીજા અધિકારી તરફ જવાબદારી ધકેલતા હોવાની ફરિયાદ છે. પરિણામે નાગરિકોની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ આવતુ નથી અને વોર્ડની સફાઇ વ્યવસ્થા અંગે અસંતોષ જોવા મળે છે.
મનીષાબેન રોજરાએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે આ સમસ્યાઓ અંગે તા.૨૮-૯ના રોજ લેખીત અરજી કરી હોવા છતાં આજદીન સુધી કોઇ જવાબ મળ્યો નથી. આ બાબત તંત્રની ફરિયાદ નિવારણ વ્યવસ્થા સામે સવાલ ઉભા કરે છે.
અંતમાં મનીષાબેન રોજાસરાએ તંત્રને અપીલ કરી છે કે વોર્ડ નં.૧૫ના નાગરિકોને સ્વચછ અને સ્વચ્છ વાતાવરણ પુરૂ પાડવા માટે તાત્કાલિક અસરથી જરૂરી પગલાં લેવામાં આવે. સફાઇ અને કચરાના નિકાલ જેવી પાયાની નાગરિક સુવિધાઓમાં કોઇ બેદરકારી ન રહે અને નાગરિકોની રજૂઆતોને ગંભીરથી લેવામાં આવે.
કોર્પોરેટર મનીષાબેન રોજસરાની મુખ્ય માંગણીઓ
વોર્ડ નં.૧૫માં કચરાની ગાડી માટે નિશ્ચિત સમય નક્કી કરી તેનો અમલ કરવામાં આવે.
કચરાની ગાડીના સમય પત્રકની નાગરિકોને અગાઉથી જાણ કરવામાં આવે.
વોર્ડની સફાઇ અને કચરાના નિકાલ માટે જવાબદાર અધિકારી નક્કી કરવામાં આવે.
સફાઇની કામગીરીનું નિયમિત નિરીક્ષણ કરી બેદરકારી જણાય તો જવાબદાર કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
નાગરિકોની ફરિયાદોના સમયમર્યાદામાં નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે.
તા.૨૮-૯ના રોજ કરવામાં આવેલી અરજીનો લેખીત જવાબ આપવામાં આવે અને રજૂ કરેલી સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે.


