મઘ્યમ વર્ગના રસોડા પર આર્થિક બોજ વધશે
મગફળીનું ઉત્પાદન ઘટ્યું, સિંગતેલના ભાવમાં સંભવિત મોટો ઉછાળો આવશે
કુદરતી અનિયમીતતા અને બદલાતા હવામાનની સીધી અસર પાક પર: ખેડૂતો પણ ચિંતાતુર બન્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતીઓની રસોઈ અને સીંગતેલ વચ્ચે એક ગાઢ અને પારંપરિક સંબંધ રહ્યો છે. સ્વાદની વાત આવે એટલે ગુજરાતમાં સીંગતેલનું નામ મોખરે આવે છે. પરંતુ, જો તમે પણ આખું વર્ષ સીંગતેલનો ઉપયોગ કરવાના શોખીન હોવ, તો આગામી દિવસોમાં તમારા રસોડાનું બજેટ ગરમાઈ શકે છે. તાજેતરના અહેવાલો મુજબ, ગુજરાતના અગ્રણી મગફળી ઉત્પાદક ગણાતા પ્રદેશોમાંથી મગફળીનું ઉત્પાદન ઘટ્યું છે, જેના કારણે સીંગતેલના ડબ્બાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.
સૌરાષ્ટ્રને ગુજરાતમાં મગફળીનો મુખ્ય ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વખતે કુદરતી અનિયમિતતાઓ અને બદલાતા હવામાનની સીધી અસર પાક પર જોવા મળી છે. ખાસ કરીને દ્વારકા અને પોરબંદર પંથકમાં વરસાદની ખેંચ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોના હાથમાં આવેલો પાક નિષ્ફળ ગયો છે અથવા તો ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ખેતરોમાંથી મગફળીનું ઉત્પાદન લગભગ ગાયબ થઈ ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે માર્કેટ યાર્ડમાં પણ આવક ઘટી છે.
બીજી તરફ, જે થોડીઘણી મગફળી બચી છે તેનો ઉપયોગ માત્ર તેલ કાઢવા પૂરતો સીમિત નથી રહ્યો. બજારમાં મોટા અને ગુણવત્તાયુક્ત સીંગદાણાની માંગ એક્સપોર્ટ માર્કેટ, નમકીન ઉદ્યોગ અને પીનટ બટર બનાવતી કંપનીઓમાં ખૂબ જ ઊંચી છે. આ અન્ય ઉદ્યોગોમાં ખેડૂતો અને વેપારીઓને સારા ભાવ મળતા હોવાથી મગફળીનો મોટો જથ્થો તેલ મિલરો સુધી પહોંચવાને બદલે અન્યત્ર ડાયવર્ટ થઈ રહ્યો છે.
તેલ મિલરોને પૂરતા પ્રમાણમાં કાચો માલ ન મળવાથી સીંગતેલનું કુલ ઉત્પાદન ઘટી ગયું છે. અર્થશાસ્ત્રના નિયમ મુજબ જ્યારે સપ્લાય ઘટે અને માંગ યથાવત રહે, ત્યારે ભાવોમાં તોતિંગ વધારો થતો હોય છે. આગામી સમયમાં લગ્નસરાની સિઝન અને તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે જો 15 કિલોના સીંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થશે તો તેની સીધી અસર સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોના માસિક બજેટ પર પડશે.
આ સ્થિતિને જોતા શું સરકારે સીંગતેલના બજાર ભાવને નિયંત્રિત કરવા માટે કોઈ ચોક્કસ પગલાં લેવા જોઈએ અથવા નિકાસ પર નિયંત્રણ મૂકવું જોઈએ તે એક મોટો પ્રશ્ન બની ગયો છે.


