જુગ જુગ જીયો…દેશની સૌથી બીજી મોટી કંપની બની
ગ્રાહકોને દિવાળી ભેટ : જીયો 21.36 ટકાએ ખુલ્યો
પ્લેટફોર્મ્સનો શેર ₹1,358 પર લિસ્ટ થયો : જીયોનું માર્કેટ કેપ 12.50 લાખ કરોડ થયું, એરટેલને પાછળ છોડ્યું : 100 અબજ ડોલરના ખાસ કલબમાં જીયોની એન્ટ્રી
લાંબા ગાળના રોકાણકારોને શેરને પોર્ટફોર્લિયોમાં હોલ્ડ કરવાની નિષ્ણાંતોની સલાહ : ટૂંક સમયમાં શેર 1500 થી 1800 સુધી જવાની શેરધારકોમાં આશા
અગ્ર ગુજરાત, મુંબઈ
જિયો પ્લેટફોર્મ્સનો શેર ₹1,358 પર લિસ્ટ થયો છે, જે તેના ₹1,119ના ઇશ્યૂ પ્રાઇસ કરતાં 21% વધારે છે. રિલાયન્સ બાદ તે માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે દેશની બીજી સૌથી મોટી કંપની બની ગઈ છે. તેનું માર્કેટ કેપ 12.50 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. રિલાયન્સનું માર્કેટ કેપ 15.99 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે એરટેલનું માર્કેટ કેપ 12.10 લાખ કરોડ રૂપિયા છે.
માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો તમે માત્ર લિસ્ટિંગ ગેઇન માટે રોકાણ કર્યું છે, તો લિસ્ટિંગના દિવસે નફો વસૂલવો યોગ્ય સ્ટ્રેટેજી રહેશે. જ્યારે લાંબા ગાળાના રોકાણકારોને શેરને પોર્ટફોલિયોમાં હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતોને આશા છે કે કંપનીનો શેર થોડા સમયમાં ₹1,500થી ₹1,800 સુધી જઈ શકે છે.
માર્કેટ નિષ્ણાતો અનુસાર, લિસ્ટિંગના દિવસે શરૂઆતમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, તેથી તરત એન્ટ્રી ન લો. જો લિસ્ટિંગ પછી શેરમાં થોડો ઘટાડો (ડિપ) આવે, તો ધીમે-ધીમે શેરની ખરીદી કરવી વધુ સારું રહેશે. શેરની કિંમત, વેલ્યુએશન અને કંપનીના પ્રદર્શનનું મૂલ્યાંકન કર્યા પછી જ રોકાણનો નિર્ણય લો.
જિયો પ્લેટફોર્મ્સ આઈપીઓ સમયે 100 અબજ ડૉલરથી વધુના માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી વિશ્વની માત્ર ચોથી એવી કંપની બની ગઈ છે, જેને તેના સ્થાપક પોતે ચલાવી રહ્યા છે. આ મામલે જિયો હવે મેટા, અલીબાબા અને એલોન મસ્કની સ્પેસએક્સના બિઝનેસ ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
જિયો પ્લેટફોર્મ્સની શેરબજારમાં આઈપીઓ લિસ્ટિંગ સેરેમની અંબાણી પરિવાર માટે માત્ર એક મોટી બિઝનેસ સિદ્ધિ જ નહીં, પરંતુ ભાવનાઓનો એક અનોખો સંગમ બની રહી હતી. આ ઐતિહાસિક અવસર પર અનંત અંબાણીએ આપેલા હૃદયસ્પર્શી સંબોધણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં તેમણે વ્યવસાયને પૂજા અને આરાધના સાથે સરખાવ્યો હતો. અનંતે જિયોની આ સફળતાનો પૂરો શ્રેય દેશવાસીઓના અખૂટ વિશ્વાસને આપતાં કહ્યું કે, એક્સચેન્જની ઘંટડી તેમના માટે મંદિરની ઘંટડી સમાન છે અને જિયોને દેશની જનતા સાથે વહેંચવું એ ‘પ્રસાદ’ વહેંચવા જેવું પવિત્ર કામ છે. પિતા મુકેશ અંબાણીના ભારતને આગળ વધારવાના સપનાનો ઉલ્લેખ કરતી વખતે અનંતના આ શબ્દો સાંભળીને મુકેશ અંબાણી પોતે પણ ભાવુક થઈ ગયા હતા, જે આ સમગ્ર સેરેમનીની સૌથી ચર્ચિત ક્ષણ બની ગઈ હતી. અંતમાં અનંતે આકાશ અને ઈશા અંબાણી સાથે મળીને એક સંયુક્ત સંકલ્પ સાથે આગળ વધવાની અને દેશ માટે પ્રતિબદ્ધ રહેવાની મજબૂત ખાતરી આપી હતી.
જામનગરની ઉજ્જડ જમીન પર દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ઊભી કરીને બતાવ્યું. તેમણે કરી બતાવ્યું કે જ્યારે ભારત બનાવે છે તો દુનિયા જોવે છે. પછી આવ્યું નવું ભારત, યુવા ભારત, એક નવું ભારતનું સપનું. દરેક હાથમાં ઇન્ટરનેટનું સપનું. દરેક ગામમાં દુનિયાના આ સપનાનું નામ હતું જીયો, આ સપનાના બીજને ઈશા દીદીએ વાવ્યું અને આકાશ ભાઈએ આ બીજને પોતાનું સપનું બનાવ્યું. જીયોને આખા દેશે દુઆ આપી. માતાએ કહ્યું જીઓ મેરે લાલ, દાદીએ કહ્યું જુગ જુગ જીઓ. અને મિત્રોએ કહ્યું, જીઓ યાર…
IPOને કઈ કેટેગરીમાં કેટલું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું?
NSE અનુસાર, ત્રણ દિવસ (21થી 23 ઑક્ટોબર) દરમિયાન આ IPO કુલ 22.19 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.
- QIB (સંસ્થાકીય રોકાણકાર): 70.55 ગણું
- NII (બિન-સંસ્થાકીય રોકાણકાર): 14.00 ગણું
- રિટેલ રોકાણકાર: 2.72 ગણું
- કુલ સબ્સ્ક્રિપ્શન: 22.19 ગણું
આકાશ અને ઈશા સાથે સપનાઓને આગળ વધારવાનો સંકલ્પ : અનંત
અનંત અંબાણીએ પોતાના ભાઈ આકાશ અંબાણી અને બહેન ઈશા અંબાણીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ત્રણેય ભલે અલગ શરીર ધરાવતા હોય, પરંતુ એક આત્માની જેમ પોતાના સપનાઓને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમનો સંદેશ હતો કે જિયોની આગામી સફર પરિવારના સહિયારા સંકલ્પ અને દેશના લોકોના વિશ્વાસથી આગળ વધશે. લિસ્ટિંગ સમારોહની આ ભાવુક ક્ષણે વ્યવસાયિક સિદ્ધિ સાથે પરિવારની એકતા અને ભવિષ્યની જવાબદારીને પણ ઉજાગર કરી.
જિયોએ કમાયા 15.5 અબજ ડૉલર : ઈશા
ઈશા અંબાણીએ જિયોની નાણાકીય સફળતાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ વર્ષે કંપનીએ આશરે 15.5 અબજ ડૉલરની આવક અને લગભગ 8 અબજ ડૉલરની વાસ્તવિક કમાણી કરી છે. તેમણે કહ્યું કે દુનિયામાં બહુ ઓછી કંપનીઓ માત્ર 10 વર્ષમાં આ સ્તર સુધી પહોંચી શકે છે.
ઈશાએ પોતાના ભાઈ અને રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીની મહેનતની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે જિયોને ઊભી કરવાની છેલ્લાં 13 વર્ષોની સફરમાં આકાશ ભાગ્યે જ ક્યારેય મોડીરાત પહેલાં ઘરે પહોંચ્યા હશે. ઈશાએ કહ્યું કે તેમને આકાશની બહેન હોવા પર ગર્વ છે. તેમના આ નિવેદને સમારંભમાં પરિવારના પરસ્પર જોડાણ અને કંપનીના નિર્માણમાં લાગેલી મહેનતને ઉજાગર કરી.
આગામી 10 વર્ષનો પ્લાન… સ્પેસથી ઇન્ટરનેટ, ઘરે-ઘરે AI : આકાશ
આકાશે ભવિષ્ય વિશે વાત કરતાં કહ્યું કે જ્યારે તેઓ જિયો સાથે જોડાયા હતા, ત્યારે કંપની પાસે ન તો કોઈ ગ્રાહક હતો કે ન તો કોઈ આવક. પરંતુ આજે કંપનીના સ્વદેશી પ્લેટફોર્મ સાથે 54 કરોડથી વધુ ગ્રાહકો જોડાયેલા છે. આઈપીઓ પહેલાં દરેક ગ્રાહક કહેતા હતા કે ‘જિયો મેં બનાવ્યો’, હવે દરેક શેરધારકને તેઓ કહે છે કે ‘આપણે સૌ મળીને નવો જિયો બનાવીશું’. તેમણે પોતાના દાદા ધીરુભાઈ અંબાણીના ‘રોટી, કપડાં, મકાન અને મોબાઈલ’ના સપનાને યાદ કર્યું. આકાશે વચન આપ્યું કે પ્રથમ 10 વર્ષમાં જિયોએ ડેટાને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યો છે. હવે આગામી 10 વર્ષમાં કંપની એઆઈ (AI), ક્લાઉડ અને સ્પેસ કનેક્ટિવિટી જેવી દરેક નવી ટેક્નોલોજીને દેશના ખૂણે-ખૂણે સુધી પહોંચાડશે.


