છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારને કુદરતી મૃત્યુ સુધી જેલવાસ
બોર ખવડાવવાની લાલચ આપી ખેતરમાંથી બાળકીનું અપહરણ કરી હવસનો શિકાર બનાવી હતી: પોક્સો કોર્ટમાં બાળકીની જુબાની અને FSLના પુરાવા નિર્ણાયક બન્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના બારવણ ગામની સીમમાં છ વર્ષ પહેલાં નહીં, પરંતુ વર્ષ 2021માં બનેલી એક અત્યંત ગંભીર દુષ્કર્મની ઘટનામાં પોક્સો કોર્ટે આરોપીને કુદરતી મૃત્યુ થાય ત્યાં સુધી જેલમાં રાખવાની સખત સજા ફટકારી છે. ખેતમજૂરી કરતા પરિવારની છ વર્ષની માસૂમ દીકરીને બોર ખવડાવવાની લાલચ આપી પોતાની સાથે લઈ જઈ દુષ્કર્મ આચરનાર આરોપી રામદેવ ઉર્ફે રામલાલ ભીલને અદાલતે દોષિત ઠેરવ્યો છે.
કેસની હકીકત મુજબ, તા. 11 ફેબ્રુઆરી, 2021ના રોજ એરપોર્ટ પોલીસ મથક વિસ્તારમાં આવેલા બારવણ ગામની સીમમાં આ બનાવ બન્યો હતો. ફરિયાદી પરિવાર ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. આ પરિવારની છ વર્ષની દીકરી વાડીમાં રમી રહી હતી ત્યારે ત્યાં ખેતમજૂરી કરતો રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના આસીંદ તાલુકાના ભીલો કી ઝૂંપડિયા ગામનો રામદેવ ઉર્ફે રામલાલ બાબુલાલ ઉર્ફે બાબુજી ભીલ તેને બોર ખવડાવવાની લાલચ આપી પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ બાળકી સાથે જબરદસ્તી કરી દુષ્કર્મ આચર્યું હતું. ઘટના અંગે ફરિયાદ નોંધાયા બાદ એરપોર્ટ પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. તપાસ દરમિયાન એકત્રિત થયેલા પુરાવાના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
રાજકોટની પોક્સો કોર્ટમાં ચાલેલી ટ્રાયલ દરમિયાન ફરિયાદીની જુબાની લેવામાં આવી હતી. આ ઉપરાંત ભોગ બનનાર બાળકીની જુબાની અદાલતના વલ્નરેબલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરમાં લેવામાં આવી હતી. બાળકીની જુબાની દરમિયાન તેણે આરોપીએ બોર ખવડાવવાના બહાને લઈ જઈ પોતાની સાથે જબરદસ્તી કરી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, અદાલતમાં આરોપીને ઓળખી પણ બતાવ્યો હતો.
આ કેસમાં તબીબ, બાળકીના જન્મનો દાખલો આપનાર અધિકારી તેમજ તપાસ કરનાર પોલીસ અધિકારીની જુબાની પણ લેવામાં આવી હતી. ફરિયાદ, મેડિકલ સર્ટિફિકેટ, જન્મનો દાખલો, એફએસએલ રિપોર્ટ, પંચનામા સહિતના દસ્તાવેજી પુરાવા પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયાએ દલીલ કરી હતી કે, ભોગ બનનાર બાળકીની ઉંમર માત્ર છ વર્ષની હતી અને તેની સાથે થયેલા દુષ્કર્મ અંગે ફરિયાદી તથા બાળકીની જુબાની સહિતના પુરાવા આરોપી સામે ગુનો નિઃશંકપણે સાબિત કરે છે. એફએસએલના પરીક્ષણમાં બાળકીનાં કપડાં તથા પ્રાઇવેટ પાર્ટ્સ પરથી આરોપીનું સિમેન મળી આવ્યું હતું અને તેનું બ્લડ ગ્રુપ પણ મેચ થયું હતું. આમ, મૌખિક જુબાનીની સાથે વૈજ્ઞાનિક પુરાવાઓથી પણ આરોપીની સંડોવણી સાબિત થતી હોવાનું જણાવી આરોપીને કાયદા મુજબ મહત્તમ સજા કરવાની માંગ કરવામાં આવી હતી.
બંને પક્ષની રજૂઆતો અને સમગ્ર પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા બાદ પોક્સો કોર્ટના સેશન્સ જજ આઈ.બી. પઠાણે આરોપી રામદેવ ઉર્ફે રામલાલ બાબુલાલ ઉર્ફે બાબુજી ભીલને દોષિત ઠેરવી તેને કુદરતી મૃત્યુ થાય ત્યાં સુધી આજીવન કેદની સખત સજા ફટકારવાનો હુકમ કર્યો હતો. કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલા હતા.


