હોમિયોપેથીમાં ૧૫૦૦થી વધારે બેઠકો ખાલી રહી, પ્રવેશ કન્ફર્મ કરવા સૂચનાઓ
ફી ભરીને કન્ફર્મ કરવા તા.3 નવેમ્બર સુધીનો છાત્રોને સમય અપાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
આયુર્વેદ અને હોમિયોપેથી માટે ત્રીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસના આધારે પ્રવેશની ફાળવણી કરી દેવામાં આવી છે. આયુર્વેદમાં તમામ બેઠકો પર પ્રવેશ આપી દેવામાં આવ્યો છે જેની સામે હોમિયોપેથીમાં 1513 બેઠક ખાલી પડી છે. વિદ્યાર્થીઓને ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવા માટે 3 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. આમ, ચાલુ વર્ષે હોમિયોપેથીમાં 1500થી વધુ બેઠકો ખાલી રહી છે.
આયુર્વેદ અને હોમિયોપેથીમાં બે રાઉન્ડ પૂરાં કર્યા બાદ ત્રીજા રાઉન્ડમાં ઓલ ઇન્ડિયા ક્વોટાની 463 બેઠક ખાલી પડી હતી. જેમાં આયુર્વેદની 45 અને હોમિયોપેથીની 418 બેઠકનો સમાવેશ થતો હતો. ત્રીજા રાઉન્ડમાં આજે પ્રવેશની ફાળવણી કરી દેવામાં આવી છે. આમ, ત્રીજા રાઉન્ડમાં આયુર્વેદમાં કુલ 47 નવા પ્રવેશની સાથે 18 વિદ્યાર્થીના જૂના પ્રવેશમાં ફેરફાર થયો છે. જેની સામે 244 વિદ્યાર્થીના પ્રવેશ યથાવત રહ્યા છે. હાલમાં આયુર્વેદમાં એકપણ બેઠક ખાલી પડી નથી. આ સાથે જ હોમિયોપેથીમાં ત્રીજા રાઉન્ડમાં ઓલ ઇન્ડિયાની 418 બેઠક ખાલી પડી હતી જે પૈકી 187 પર પ્રવેશ ફાળવી દેવામાં આવતાં હાલમાં 389 બેઠક ખાલી પડી છે. સ્ટેટ ક્વોટાની બેઠકો પ્રમાણે આયુર્વેદમાં 2133 બેઠક પૈકી ત્રીજા રાઉન્ડમાં 395 બેઠક ખાલી પડી હતી તે તમામ પર પ્રવેશ ફાળવી દેવામાં આવતાં હાલમાં આયુર્વેદની એકપણ બેઠક ખાલી નથી. આજ સાથે જ હોમિયોપેથીમાં સ્ટેટ ક્વોટાની કુલ 4077 બેઠક પૈકી ત્રીજા રાઉન્ડમાં 1810 સાથે અત્યાર સુધીમાં કુલ 2564 વિદ્યાર્થીને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાં 340 નવા વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો છે. 315 વિદ્યાર્થીના પ્રવેશમાં ફેરફાર થયા છે. આમ, હાલમાં કુલ 1513 બેઠક ખાલી પડી છે. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે કે, સામાન્ય રીતે હોમિયોપેથીમાં તમામ બેઠકો ભરાઇ જતી હોય છે. પરંતુ આ વર્ષે ત્રીજા રાઉન્ડ પછી પણ હોમિયોપેથીની 1513 બેઠક ખાલી પડી છે. આમ, અત્યાર સુધીમાં હોમિયોપેથી અને આયુર્વેદની મળીને 6210 બેઠક પૈકી 4697 બેઠક પર પ્રવેશ ફાળવી આપવામાં આવ્યો છે. ત્રીજા રાઉન્ડમાં કુલ 692 વિદ્યાર્થીને નવા પ્રવેશ મળ્યા હતા. જેની સામે 657 વિદ્યાર્થીના જૂના પ્રવેશમાં ફેરફાર થયો છે. આમ, પહેલી વખત હોમિયોપેથીમાં બેઠકો ખાલી પડતાં હવે આગામી દિવસોમાં વધુ રાઉન્ડ કરવા પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે.
નીટ આધારિત ચાર કોર્સ પૈકી આ વર્ષે મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેડિકલમાં પણ બેઠકો ખાલી પડી છે. જેની સામે આયુર્વેદ- હોમિયોપેથીમાં ત્રણ રાઉન્ડ પૂરા થયા બાદ હોમિયોપેથીની 1500થી વધારે બેઠક ખાલી પડી છે. આ મુદ્દે પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે કે, ચાલુ વર્ષે બી ગ્રૂપમાં અંદાજે 52 હજાર વિદ્યાર્થી પાસ થયા હતા. જેની સામે મેડિકલ, ડેન્ટલ, ફાર્મસી, આયુર્વેદ-હોમિયોપેથી ઉપરાંત નર્સિંગ, બીએસસી સહિતના કોર્સમાં વિદ્યાર્થીઓ જતાં રહેતા હોમિયોપેથીની બેઠકો ખાલી પડી છે. પ્રવેશ પ્રક્રિયા 25 નવેમ્બર સુધી ચાલવાની હોવાથી હજુ બે રાઉન્ડ કરવામાં આવશે.


