બામણબોર પાસે આઇસરમાંથી 21.892 કિ.ગ્રામ ગાંજો ઝડપાયો
મગફળીની બોરીઓની આડમાં ગાંજો લઈ જતા ગોંડલના ત્રણ શખ્સો ઝડપાયા, આઇસર સહિત રૂ.27.32 લાખનો મુદ્દામાલ કબજે
વ્યારાથી ગાંજો ભરી આપનાર ગોંડલના જાવીદ મકરાણી અને સલમાન બ્લોચ વોન્ટેડ : એક ટ્રીપના રૂ.30 હજાર મળવાના હતા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતા તત્વો સામે ક્રાઇમ બ્રાન્ચે વધુ એક સફળ કાર્યવાહી કરી છે. અમદાવાદ-રાજકોટ હાઇવે પર બામણબોર નજીક એરપોર્ટ પોલીસની ચેકપોસ્ટ પાસે મગફળી અને શીંગદાણાની બોરીઓની આડમાં ગાંજાનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આઇસર વાહન અટકાવી તપાસ કરતાં 21.892 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગોંડલના ત્રણ શખ્સોને ઝડપી લીધા છે અને ગાંજાના જથ્થા ઉપરાંત આઇસર સહિત કુલ રૂ.27.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે વ્યારાથી ગાંજાનો જથ્થો ભરી આપનાર ગોંડલના બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ગાંજાનો આ જથ્થો ગોંડલ પહોંચાડવાનો હતો. આ કામ માટે પકડાયેલા ત્રણેય શખ્સોને એક ટ્રીપના રૂ.30 હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, ગાંજો ગોંડલ પહોંચે તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચે આખું નેટવર્ક ઝડપી લીધું હતું.
આ કાર્યવાહી અંગેની વિગતો મુજબ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બસીયાની સૂચનાથી શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા શખ્સોને પકડી પાડવા કામગીરી ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.એલ. ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.ડી. ડોડીયા અને તેમની ટીમ કાર્યવાહી કરી રહી હતી. દરમિયાન પીએસઆઇ એસ.એમ. રાણા અને કોન્સ્ટેબલ નિકુંજ મારવિયાને ખાનગી બાતમીદારો મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે, હસમુખ અગ્રાવત, મહેબુબ દોઢીયા અને ફરીદ બ્લોચ સફેદ રંગના આઇસર વાહન નંબર GJ-06-AV-3000માં મગફળીના કોથળાઓની આડમાં ગેરકાયદે ગાંજાનો જથ્થો છુપાવી ચોટીલા તરફથી રાજકોટ આવી રહ્યા છે.
આ માહિતી મળતાં જ પીએસઆઇ વી.ડી. ડોડીયાની ટીમે બામણબોર ગામ પાસે એરપોર્ટ પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી. થોડીવારમાં બાતમીમાં દર્શાવેલું આઇસર વાહન આવતાં જ પોલીસે બેરીકેટ મૂકી તેને અટકાવ્યું હતું. બાદમાં આઇસરમાં સવાર ત્રણેય વ્યક્તિઓને નીચે ઉતારી પૂછપરછ કરતાં તેમની ઓળખ ફરીદ મેરાજ બ્લોચ (ઉ.વ.27), મહેબુબ આદમ દોઢીયા (ઉ.વ.58) અને હસમુખ શાંતિ અગ્રાવત (ઉ.વ.46), ત્રણેય રહે. ગોંડલ તરીકે થઈ હતી.
ત્યારબાદ પોલીસે આઇસરના પાછળના ભાગમાં તપાસ કરતાં શણની બોરીઓમાં મગફળી અને શીંગદાણા ભરેલા જોવા મળ્યા હતા. પ્રથમ નજરે સામાન્ય માલસામાન ભરેલું વાહન જણાતું હોવા છતાં પોલીસે એક પછી એક બોરીઓ હટાવી તપાસ આગળ ધપાવી હતી. દરમિયાન બોરીઓની વચ્ચે સંતાડેલા બે બાચકા મળી આવ્યા હતા. આ બાચકા ખોલીને તપાસ કરતાં અંદરથી 11 અલગ-અલગ પાર્સલ મળી આવ્યાં હતાં.
પાર્સલો ખોલતાં વનસ્પતિજન્ય ડાળખા અને પાંદડા સહિતનો પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે આ અંગે ત્રણેય શખ્સોની પૂછપરછ કરતાં આ પદાર્થ ગાંજો હોવાનું સામે આવ્યું હતું. વજન કરતાં કુલ 21.892 કિલો ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.10.94 લાખ આંકવામાં આવી છે.
ક્રાઇમ બ્રાન્ચે ગાંજાના જથ્થા સાથે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આઇસર વાહન સહિત કુલ રૂ.27.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યારબાદ હાથ ધરાયેલી પૂછપરછમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલના જાવીદ મકરાણી અને સલમાન બ્લોચે વ્યારાથી ગાંજાનો જથ્થો આઇસરમાં ભરી આપ્યો હોવાનું ખુલ્યું છે. આ જથ્થો ગોંડલ લઈ જવાનો હતો અને તેના પરિવહન બદલ પકડાયેલા ત્રણેય શખ્સોને એક ટ્રીપના રૂ.30 હજાર ચૂકવવાનું નક્કી થયું હતું.
હાલ પોલીસે જાવીદ મકરાણી અને સલમાન બ્લોચને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, વ્યારામાં કોની પાસેથી મેળવવામાં આવ્યો હતો અને ગોંડલમાં કોને પહોંચાડવાનો હતો તે સહિતની કડીઓ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ પહોંચતા પહેલાં જ ગાંજાનો મોટો જથ્થો પકડી પાડવામાં આવતાં નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


