દિવાળી તહેવારમાં ગત વર્ષ કરતા ST ૧૧ ટકા વધુ બસ દોડાવશે
રાજકોટ ડિવિઝન દ્વારા ૪૫૦ ટ્રીપનું આયોજન : રાજયમાં એક લાખ ટિકિટનું એડવાન્સ બુકિંગ
અગ્ર ગુજરાત, રાજકોટ
દિવાળીના તહેવારોમાં વતન જવા નીકળતા મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે GSRTC દ્વારા મોટા પાયે વિશેષ બસ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. તહેવારોને હજુ એક અઠવાડિયુ બાકી છે ત્યારે જ એસ.ટી. નિગમની 1 લાખથી વધુ ટિકિટોનું ઓનલાઈન અને એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. આ વર્ષે સમગ્ર રાજ્યના વિવિધ એસ.ટી. વિભાગોમાં કુલ 9,630 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવશે. દિવાળી 2025માં રાજ્યભરમાં 8,648 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી હતી, જેની સરખામણીએ આ વર્ષે 982 ટ્રીપ વધુ એટલે કે આશરે 11.4%નો વધારો કરવામાં આવ્યો છે.
દિવાળી વેકેશનમાં સૌથી વધુ ધસારો સૌરાષ્ટ્ર તરફ રહેતો હોવાથી અમરેલી, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢ તરફ નિયમિત અંતરે વધારાની બસો દોડાવવામાં આવશે. અધિકારીના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર રૂટની મોટાભાગની બસોમાં 50% જેટલું ગ્રૂપ બુકિંગ એડવાન્સમાં પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, ગોધરા તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ જતા શ્રમિકો અને પરિવારો માટે પણ પૂરતી સંખ્યામાં એક્સ્ટ્રા બસો ઉપલબ્ધ રહેશે.
તહેવારો દરમિયાન ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો બમણા-ત્રણ ગણા ભાડાં વસૂલી લૂંટ ચલાવતા હોય છે, ત્યારે GSRTC દ્વારા તમામ વધારાની બસોમાં પણ સામાન્ય સરકારી નિયત ભાડા દર જ લાગુ રાખવામાં આવ્યા છે. લોકલ, એક્સપ્રેસ કે ગુર્જરનગરી કેટેગરી મુજબ મુસાફરો પાસેથી સામાન્ય દિવસો જેટલું જ ભાડું લેવાશે. વધુમાં, રોકડ છૂટા પૈસાની ઝંઝટ ન રહે તે માટે બસમાં બેઠા પછી કંડક્ટર પાસેથી ટિકિટ લેતી વખતે મુસાફરો UPI (Google Pay, PhonePe, Paytm વગેરે) દ્વારા સીધું ડિજિટલ પેમેન્ટ કરી શકશે.
રાજ્યવ્યાપી સંચાલન પર નજર કરીએ તો સૌથી વધુ 1,870 ટ્રીપ નડિયાદ વિભાગ દ્વારા અને 1,600 ટ્રીપ સુરત વિભાગ દ્વારા દોડાવાશે. આ સિવાય હિંમતનગરમાં 900, જૂનાગઢમાં 840, અમદાવાદમાં 700 (વિભાગીય આયોજન 1,150), મહેસાણામાં 670, પાલનપુરમાં 550, વડોદરામાં 455, રાજકોટમાં 450, ગોધરામાં 380, ભાવનગરમાં 370, અમરેલીમાં 300, ભરૂચમાં 170, જામનગરમાં 155, ભુજમાં 110 અને વલસાડમાં 110 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે.


