આંતરકોલેજ આર્ચરી સ્પર્ધામાં DH કોલેજની બે વિદ્યાર્થિનીઓએ મેળવ્યા સુવર્ણચંદ્રક
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઉપલેટા ખાતે આયોજિત આંતરકોલેજ આર્ચરી સ્પર્ધામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કોલેજને ગૌરવ અપાવ્યું છે. આ સ્પર્ધામાં કોલેજની વિદ્યાર્થિની વસાણી મિતે રિકર્વ કેટેગરીમાં તથા વસાણી નિત્યમે ઇન્ડિયન રાઉન્ડ કેટેગરીમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
વિદ્યાર્થિનીઓની આ સિદ્ધિ બદલ કોલેજના આચાર્ય ડૉ. કમલેશ બુદ્ધભટ્ટીએ બંને ખેલાડીઓને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યાં હતાં. આ સફળતામાં કોલેજનાં પી.ટી.આઈ. ડૉ. શ્વેતા દવેનું માર્ગદર્શન અને પ્રોત્સાહન મહત્ત્વપૂર્ણ રહ્યું હતું.
કોલેજ પરિવાર દ્વારા બંને સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં તથા ભવિષ્યમાં રમતગમત ક્ષેત્રે વધુ ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરી કોલેજ અને યુનિવર્સિટીનું ગૌરવ વધારતી રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.


