ફટાકડા ફોડવા લોકોના ખિસ્સા પર બોજ વધશે, ભાવમાં ૨૦ ટકાનો વધારો
મોંઘવારીની અસર : ઉત્પાદન ઘટતા વધારો નોંધાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે બજારમાં ફટાકડાના સ્ટોલ લાગી ગયા છે. પરંતુ આ વર્ષે મોંઘવારીની અસર ફટાકડામાં પણ જોવા મળી રહી છે. લોકોએ ફટાકડા ફોડવા માટે વધારે પૈસા ચૂકવવા પડશે. આ વર્ષે ફટાકડાના ભાવમાં ૨૦ ટકા જેટલો વધારો થયો છે.
રોશની અને ઉત્સાહના પર્વ દિવાળીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બજારો ખરીદીથી ધમધમી રહી છે, પરંતુ આ વર્ષે દિવાળીની ઉજવણી નાગરિકોના ખિસ્સા પર થોડી ભારે સાબિત થઈ શકે છે. દિવાળીના પ્રમુખ તહેવાર પહેલાં જ ફટાકડા બજારમાં ભાવનો મોટો ભડકો જોવા મળ્યો છે, જેના કારણે ગ્રાહકોએ વધુ ખર્ચ કરવો પડશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ વર્ષે ફટાકડાના ભાવમાં સરેરાશ 20 ટકા સુધીનો વધારો થયો છે. ફટાકડાના મુખ્ય ઉત્પાદક હબ ગણાતા શિવકાશીથી જથ્થો સમયસર અને પૂરતા પ્રમાણમાં અમદાવાદ બજારમાં પહોંચવામાં વિલંબ થયો છે, જેના કારણે પુરવઠા પર સીધી અસર પડી છે. બીજી બાજુ, ફટાકડા બનાવવા માટે વપરાતા કાચા માલના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો હોવાથી ઉત્પાદન ઘટ્યું છે અને તેની સીધી અસર છૂટક અને જથ્થાબંધ બજારના ભાવો પર જોવા મળી રહી છે.
ભાવવધારાની આ અસરો છતાં ફટાકડા બજારોમાં ગ્રાહકોનો ઉત્સાહ ઓછો થયો નથી. તહેવારના માહોલને કારણે લોકો દ્વારા અગાઉની જેમ જ ફટાકડાની ખરીદી કરવામાં આવી રહી છે, જેનાથી બજારમાં રોનક જળવાઈ રહી છે.


