વીરપુરમાં વીજતંત્રની બેદરકારીથી ખેડૂતના ખેતરમાં 66 કેવી તાર તૂટ્યા
24 કલાક બાદ પણ કોઈ કાર્યવાહી નહીં!: ખેતીકામ ખોરવાયું, જવાબદાર અધિકારીઓ ફોન કાપી નાખતા હોવાનો ગંભીર આક્ષેપ!
અગ્ર ગુજરાત, વીરપુર
સૌરાષ્ટ્રના વિખ્યાત યાત્રાધામ વીરપુર ગામના ખેડૂત ખાતેદાર મુકેશભાઈ ધામેલીયાના ખેતરમાંથી પસાર થતી 66 કેવી હેવી વીજ લાઈનનો તાર ગઈકાલે આવેલા કમોસમી અને ભારે પવન સાથે વરસાદના કારણે તૂટીને નીચે ખેતરમાં જમીન પર પડી ગયો હતો. આ ઘટના બન્યાને 24 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં, વીજ તંત્ર દ્વારા હજુ સુધી સ્થળ પર કોઈ તપાસ, સમારકામની કામગીરી કે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. હાઈ-વોલ્ટેજ લાઈન જેવી ગંભીર બાબતમાં પણ તંત્રની ઘોર બેદરકારી સામે આવતા સ્થાનિક સ્તરે ચિંતાનો માહોલ સર્જાયો છે.
ખેતરમાં વીજ લાઈનનો તાર તૂટીને પડ્યો હોવાથી ખેડૂત મુકેશભાઈ ધામેલીયાનું ખેતીકામ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ખેતરમાં હાલ મહત્વનું ખેતીકામ બાકી હોવાથી અને જમીન પર પડેલા તારનું હજુ સુધી કોઈ રીપેરીંગ ન થયું હોવાથી ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી શકતા નથી. કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત સર્જાય તે પૂર્વે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવા જરૂરી બન્યા છે.
યાત્રાધામ વીરપુરમાં ભૂતકાળમાં પણ હેવી વિજતાર તૂટવાનાં અનેક બનાવો બન્યા છે અને ખેડૂતો પણ આ વીજ ટાર તૂટવાનાં અકસ્માતના ભોગ પણ બન્યા છે અને ખેડૂતોના ખેતરોમાં પાકોને પણ નુકસાન થયાની ઘટનાઓ બની છે ત્યારે આ ગંભીર સમસ્યા બાબતે સંબંધિત વીજ અધિકારીઓ અને કર્મચારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. વધુમાં, જ્યારે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓનો ટેલિફોનિક સંપર્ક કરીને રજૂઆત કરવામાં આવે છે, ત્યારે તેઓ કોઈ પ્રત્યુત્તર આપતા નથી અને ફોન કાપી નાખતા હોવાના પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. અધિકારીઓના આવા ઉદ્ધત અને બેજવાબદાર વલણને કારણે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
છેલ્લા 24 કલાકથી પરેશાન થઈ રહેલા ખેડૂત મુકેશભાઈ ધામેલીયાએ વીજ કંપની અને સરકારને માહિતગાર કરતા અપીલ કરી છે કે, તાત્કાલિક ધોરણે આ તૂટેલા વીજ તારનું રીપેરીંગ કરવામાં આવે અને ખેતરમાંથી તાર ઉપાડી લેવામાં આવે. જો સત્વરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તો જ તેઓ પોતાનું અટકી પડેલું ખેતીકામ તાત્કાલિક ધોરણે આગળ વધારી શકે તેમ છે.
અધિકારીઓના ફોન નો-રિસીવ
જેટકો વીજ વિભાગના અધિકારીઓને આ બાબતે ટેલિફોનિક સંપર્ક કરતા ડેપ્યુટી ઈજનેર તેમજ જુનિયર ઈજનેર સહિતના અધિકારીઓના ફોન નો રિસીવ.! જ્યારે જેટકોના કાર્યપાલક ઈજનેર રાવલને આ બાબતે પૂછતાં તેમને આવતી કાલે તાર રિપેર થઈ જશે એવો જવાબ આપી પોતાની જવાબદારી થી હાથ ઊંચા કર્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે ટાર તૂટ્યાના 24 કલાક વીતી ગયા છતાં વીજ વિભાગના કોઈ અધિકારીઓ ઘટના સ્થળે ડોકાયા પણ નથી અને ખેડૂતોના હિતની મોટા બણગાં ફુકતિ મોટી મોટી વાતો કરતી સરકાર આવા બેજવાબદાર અધિકારીઓ સામે શુ પગલાં લેશે તેવી ખેડૂતોમાં ચર્ચા ઉઠવા પામી છે.


