ટ્રમ્પની હાર બાદ ભારતીય દલાલ સ્ટ્રીટમાં તેજી
શેરબજારમાં દિવાળી, ૧૬૦૦ પોઈન્ટનો ઉછાળો
ઈન્ડિગો, બજાજ ફાઈનાન્સ અને એશિયન પેઈન્ટસ જેવા શેરોમાં ૪ ટકાથી વધુનો ઉછાળો, બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં સૌથી વધારે તેજી
ક્રૂડ ઓઈલના ભાવમાં ૧૦ ટકાનો ઘટાડો: રોકાણકારોની સંપતિમાં રૂ.૫ લાખ કરોડથી વધુનો વધારો, એક ઝાટકે દિવાળી સુધરી
અગ્ર ગુજરાત, મુંબઈ
અમેરિકામાં મધ્ય સત્રની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર બાદ આજે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને લાગેલા આંચકા બાદ દલાલ સ્ટ્રીટમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. શેરબજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં 1600થી વધુ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે નિફ્ટી 50માં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે.
શેરબજારમાં તેજી પાછળ ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો મોટો ઘટાડો પણ એક મુખ્ય કારણ છે. 30 શેર ધરાવતા સેન્સેક્સમાં સામેલ 29 કંપનીઓના શેર તેજીમાં હતા. ઇન્ડિગો, બજાજ ફાઇનાન્સ અને એશિયન પેઇન્ટ્સ જેવા શેરમાં ચાર ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ 1609.54 પોઇન્ટ એટલે કે 2.08 ટકા વધીને 78,910.94 પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટીએ 417.45 પોઇન્ટ એટલે કે 1.74 ટકાના ઉછાળા સાથે 24,378.05ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.
નિફ્ટી સિમેન્ટ, ઓટો, આઇટી, ઓઇલ એન્ડ ગેસ તથા સરકારી બેન્કોના સૂચકાંકોમાં 1.82 ટકા સુધીની તેજી જોવા મળી હતી. એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, મીડિયા અને કેમિકલ્સ સેક્ટરમાં પણ 1થી 1.5 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. બજારના નિષ્ણાતોના જણાવ્યાનુસાર નિફ્ટી લગભગ 23,904ના સ્તરે રહેલા 200 દિવસના એક્સ્પોનેન્શિયલ મૂવિંગ એવરેજ (EMA)થી ઉપર જળવાઈ રહ્યો છે. ટેકનિકલ દૃષ્ટિએ આ બજારની મજબૂતીનો સંકેત છે.
ઊર્જા બજારમાં ભારે વેચવાલી વચ્ચે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં લગભગ 10 ટકાનો ઘટાડો થયો હતો અને તે પ્રતિ બેરલ 100 ડોલરથી નીચે બંધ થયું હતું.
બુધવારે પણ બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 383.55 પોઈન્ટ વધીને 77,301.40 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 149.75 પોઈન્ટ વધીને 23,960.50 પર બંધ થયો હતો. આનો અર્થ એ થયો કે બજારમાં સતત પાંચ સત્રો સુધી તેજી રહી હતી, અને ગુરુવારે વધુ ગતિ જોવા મળી.
બજારમાં તેજીથી ઘણી મોટી કંપનીઓને ફાયદો થયો. શરૂઆતના ટ્રેડિંગમાં ઇન્ડિગોના શેરમાં 5.07 ટકાનો વધારો થયો. બજાજ ફાઇનાન્સમાં પણ 4.63 ટકા અને એશિયન પેઇન્ટ્સમાં 4.18 ટકાનો વધારો થયો. ઓટો સેક્ટરના શેરોમાં પણ જોરદાર ખરીદી જોવા મળી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ૩.૮૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો, અને મારુતિ સુઝુકીના શેરમાં ૩.૭૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો. બેન્કિંગ શેરોમાં, HDFC બેંક ૨.૫૭ ટકા અને ICICI બેંક ૨.૪૬ ટકા વધ્યા. ક્ષેત્રીય રીતે, નિફ્ટી ઓટો ૨.૦૪ ટકા, નિફ્ટી રિયલ્ટી ૧.૯૪ ટકા અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ એક્સ-બેંક ૨.૭૨ ટકા વધ્યા.
અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીના પરિણામોએ ડેમોક્રેટિક પાર્ટીને આગળ વધારી, કોંગ્રેસના બંને ગૃહો પર નિયંત્રણ મેળવ્યું. આનાથી રોકાણકારોને આશા જાગી છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ હવે વધુ કાબુમાં આવી શકે છે. જો અમેરિકાની વેપાર નીતિઓને લગતી અનિશ્ચિતતા ઓછી થાય છે, તો ભારત જેવા ઉભરતા બજારોને પણ ફાયદો થઈ શકે છે. આ સમાચાર બાદ અમેરિકાના શેરબજારમાં પણ જોરદાર તેજી જોવા મળી. અમેરિકાના બજારમાંથી મળતા સકારાત્મક સંકેતોએ ભારતીય રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો.
વિદેશી રોકાણકારોની રેકોર્ડ ખરીદી
બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સતત ચોથા કારોબારી સત્રમાં ખરીદદાર રહ્યા હતા. તેમણે ચોખ્ખા 7284 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. ઓક્ટોબર, 2025 બાદ એક જ કારોબારી દિવસમાં વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલી આ સૌથી મોટી ખરીદી હોવાનું કહેવાય છે. બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ સતત ચોથા દિવસે પોતાની હિસ્સેદારી ઘટાડી હતી અને ચોખ્ખા 3712 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.
અમેરિકાના શેરબજારોમાં પણ જોરદાર તેજી
ગઈ કાલે રાત્રે અમેરિકાનાં શેરબજારોમાં જોવા મળેલી તેજીથી ભારતીય બજારને પણ ટેકો મળ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 3 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. અમેરિકાની મધ્યસત્રની ચૂંટણી બાદ ચાર દાયકાથી વધુ સમયગાળામાં ડાઉ જોન્સનું આ સૌથી મજબૂત પ્રદર્શન રહ્યું હતું. એસએન્ડપી 500 અને નાસ્ડેક કમ્પોઝિટમાં પણ 1.4 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો.
બજારમાં તેજીના ટોચના 5 કારણો શું છે?
- અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની જીતથી વૈશ્વિક બજારોમાં સકારાત્મક ભાવના પેદા થઈ છે. રોકાણકારો અમેરિકાની વેપાર અને ભૂરાજકીય નીતિઓમાં નરમાઈની આશા રાખી રહ્યા છે.
- બ્રેન્ટ ક્રૂડની કિંમત ઘટીને પ્રતિ બેરલ $93.50 થઈ ગઈ છે. ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે, તેથી કિંમતોમાં ઘટાડો ભારતીય અર્થતંત્ર અને કંપનીઓ માટે રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.
- વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય શેરબજારમાં સતત ખરીદી કરી રહ્યા છે. બુધવારે, વિદેશી રોકાણકારોએ આશરે ₹૭,૨૮૪ કરોડના ભારતીય શેર ખરીદ્યા.
- યુએસ શેરબજારમાં ડેમોક્રેટિક પાર્ટીની જીત બાદ, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ લગભગ ૩% વધ્યો. આની ભારતીય બજાર પર પણ સકારાત્મક અસર પડી.
- બીજા ક્વાર્ટરના મજબૂત કોર્પોરેટ પરિણામોએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે.
અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓએ કેવી રીતે ટેકો પૂરો પાડ્યો?
6 દિવસમાં સેન્સેક્સ 5,500 પોઇન્ટથી વધુ વધ્યો
| તારીખ | ક્લોઝિંગ | પોઈન્ટમાં ફેરફાર | ટકાવારીમાં ફેરફાર |
| 28 ઓક્ટોબર | 73,246 | – | – |
| 29 ઓક્ટોબર | 74,151 | +905 | +1.2% |
| 30 ઓક્ટોબર | 74,460 | +308 | +0.4% |
| 2 નવેમ્બર | 75,693 | +1,233 | +1.7% |
| 3 નવેમ્બર | 76,918 | +1,225 | +1.6% |
| 4 નવેમ્બર | 77,301 | +384 | +0.5% |
| 5 નવેમ્બર (આજે) | 78,900 | +1,599 | +2.1% |
| કુલ વધારો (6 દિવસ) | 78,900 | +5,654 પોઈન્ટ | +7.7% |
કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો
યુએસ મધ્યસત્ર ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર થતાં જ, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ જે ભારત સહિત સમગ્ર વિશ્વમાં બજારના વાતાવરણ પર લાંબા સમયથી નકારાત્મક અસર કરી રહ્યા હતા. તેમાં અચાનક મોટો ઘટાડો આવ્યો છે. આ અહેવાલ લખાય છે ત્યાં સુધીમાં, ‘બ્રેન્ટ ક્રૂડ’ના ભાવમાં લગભગ 10%નો ઘટાડો થયો છે અને તે પ્રતિ બેરલ 90 ડોલરની સપાટીથી નીચે આવી ગયા છે. તેલના ભાવમાં આવેલો આ ઘટાડો વિશ્વભરમાં ફુગાવાના જોખમમાં ઘટાડો થવાનો સંકેત આપે છે. ખાસ કરીને એવા દેશો માટે કે જેઓ તેલની આયાત પર નિર્ભર છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.


