વોર્ડ નં.૧૪માં કત્લ કરાયેલા વૃક્ષોના આયુષ્ય અંગે ગાર્ડન શાખા અજાણ
કેટલા તોતિંગ વૃક્ષો કપાશે તેની ગાર્ડન શાખા સ્પષ્ટતા કરે
અગ્ર ગુજરાત, રાજકોટ
કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, સિનિયર સિટીઝન પ્રવીણભાઈ લાખાણી, ભરતભાઈ સુરેજા, જાગૃત નાગરિક મગનભાઈ પટેલ, શક્તિસિંહ ઝાલા, અશોકભાઈ બુટાણી ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 14માં બે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. જેનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી દ્વારા ચારેક મહિના અગાઉ થયું છે. ત્યારબાદ આ પ્રોજેક્ટ જ્યાં હાથ ધરવાના છે ત્યાં વિશાળકાય ઘટાદાર, ઘેઘુર અને તોતિંગ વૃક્ષો હયાત છે. અને જ્યાં પ્રોજેક્ટ બનવાનો છે તે સંપૂર્ણપણે વોટર વેની ઉપર આલીશાન બાંધકામો ખડકાવાના હોય જે પગલે ચોમાસામાં લતાવાસીઓને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ ખૂદ રાજકોટ મહાનગરપાલિકા કરી રહી છે.
ગઈકાલે જે પાંચ વૃક્ષો કપાયા હતા તેમાં થોડા મૂળમાંથી કાપવાના બાકી હોય જે પગલે ગાર્ડન શાખાના મજૂરો અને ટેકટર આવતા જાગૃત નાગરિક ગજેન્દ્રસિંહ ઝાલા ને આ અંગે જાણ થતા તેઓએ સ્થળ પર પહોંચી પોલીસની વાન ૧૧૨ બોલાવી હતી. મહાનગરપાલિકાના કમિશનરને અને બાંધકામ શાખાના સીટી ઇજનેર ને અને મુખ્યમંત્રી સ્વાગતમાં પણ અગાઉ લેખિત માંગ કરેલ હતી કે કેટલા વૃક્ષો કપાશે તેની સ્પષ્ટતા કરવા અંગે લેખિત રજૂઆતો કરી છે પરંતુ તેમ છતાં કુલ કેટલા વૃક્ષો કપાસે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી જ નથી. જે પગલે કામ અટકાવતા અને ગાર્ડન ડાયરેક્ટર સાથે વાત કરી હતી બાદમાં તેઓએ પાંચ વૃક્ષો કાપવા અંગેની મંજૂરીનો પરિપત્ર ગજેન્દ્રસિંહ ઝાલા ને વોટ્સએપ પર મોકલતા પાંચ વૃક્ષોના બાકી રહેલ અવશેષના કપાતનું કામ આગળ ચાલવા દેવામાં આવ્યું.


