ગિરનારની લીલી પરિક્રમામાં ‘શ્રી આઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ’ના અન્નક્ષેત્રનો ૬૬માં વર્ષમાં મંગલ પ્રવેશ
તા.૨૦ થી ૨૪ નવેમ્બર ૨૦૨૬ સુધી દરરોજ સવારનો નાસ્તો, બપોર અને સાંજના નિઃશુલ્ક ભોજનનો મળશે લાભ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં ઉમટી પડતા લાખો ભાવિક ભક્તોની સેવાર્થે કાર્યરત ‘શ્રી આઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ’ ના અન્નક્ષેત્ર દ્વારા સતત ૬૫ વર્ષની અવિરત સેવા બાદ આ વર્ષે ૬૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવામાં આવી રહ્યો છે.
ટ્રસ્ટના પ્રમુખ જાદવભાઈ મોહનભાઈ કાકડીયાની યાદીમાં જણાવ્યા અનુસાર, લીલી પરિક્રમાના રૂટ પર યાત્રાળુઓની સેવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ અન્નક્ષેત્ર આગામી તા. ૨૦-૧૧-૨૦૨૬ થી તા. ૨૪-૧૧-૨૦૨૬ સુધી સતત કાર્યરત રહેશે. આ પાંચ દિવસ દરમિયાન પરિક્રમાર્થીઓ માટે દરરોજ સવારનો નાસ્તો, બપોરનું ભોજન તેમજ સાંજના ભોજનની અત્યંત સુંદર અને નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ભગીરથ સેવાકાર્યને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ જાદવભાઈ મોહનભાઈ કાકડીયા, ઉપપ્રમુખ ભીખાભાઈ આંબલીયા, વલ્લભભાઈ તેમજ કિશોરભાઈ વાડોદરિયા સહિત ટ્રસ્ટના તમામ કાર્યકરો અને સેવકગણ ખડેપગે રહી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. પ્રમુખ જાદવભાઈ કાકડીયાએ સમગ્ર ધર્મપ્રેમી જનતા અને પરિક્રમાર્થીઓને આ અન્નક્ષેત્રનો બહોળી સંખ્યામાં લાભ લેવા તેમજ આ સેવાયજ્ઞમાં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું છે.


