કપાસના ખેતરોમાં ગાંજાની લીલીછમ ખેતી ; વિંછીયામાં નશાના નેટવર્કનો વધુ એક પર્દાફાશ
નાના માત્રાની સીમમાં રેન્જની ટીમનો દરોડો, 39 છોડમાંથી 15.400 કિલો ગાંજો જપ્ત; 7.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ખેડૂત લખમન ગરાંભડીયાની ધરપકડ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના વિંછીયા પંથકમાં ખેતીની જમીનો જાણે ગાંજાના વાવેતર માટેનું આશ્રયસ્થાન બની રહી હોય તેવી સ્થિતિ સામે આવી છે. એક પછી એક ખેતરોમાંથી ગાંજાના છોડ મળી આવતાં નશીલા પદાર્થોની ગેરકાયદે ખેતીનું નેટવર્ક કેટલું ઊંડું છે તેવા સવાલો ઊભા થયા છે. છેલ્લા 48 કલાકમાં ગાંજાના વાવેતર સામે પોલીસની આ ત્રીજી કાર્યવાહી છે. આ વખતે રાજકોટ રેન્જની ટીમે વિંછીયા તાલુકાના નાના માત્રા ગામની સીમમાં દરોડો પાડી 39 લીલા છોડ સાથે 15.400 કિલો ગાંજો કબજે કર્યો છે. પોલીસે રૂ.7.70 લાખના મુદ્દામાલ સાથે ખેડૂત લખમન ગરાંભડીયાની ધરપકડ કરી છે.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ નશીલા પદાર્થોના વાવેતર અને હેરાફેરી સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. દરમિયાન રેન્જની ટીમના પીએસઆઈ ભાનુભાઈ મિયાત્રાને બાતમી મળી હતી કે, નાના માત્રા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં અન્ય પાકની સાથે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ માહિતીના આધારે ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને ખેતરમાં દરોડો પાડ્યો હતો. ખેતરમાં તપાસ કરતાં ગાંજાના લીલાછમ છોડ મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. ગણતરી કરતાં કુલ 39 છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 15.400 કિલોગ્રામ થયું હતું. પોલીસે તમામ છોડ કબજે કરી તેની અંદાજિત કિંમત રૂ.7.70 લાખ નક્કી કરી હતી. ખેતરમાં ગાંજાનું વાવેતર કરનાર ખેડૂત લખમન ગરાંભડીયાને પોલીસે સ્થળ પરથી જ ઝડપી લીધો હતો.
આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા બાદ હવે પોલીસ ગાંજાના બિયારણના સ્ત્રોત અને તૈયાર પાક કોને પહોંચાડવાનો હતો તેની તપાસ કરી રહી છે. આ ખેતી માત્ર સ્થાનિક સ્તરે વેચાણ માટે હતી કે તેની પાછળ મોટું સપ્લાય નેટવર્ક કાર્યરત છે તે જાણવા રિસીવર અને અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવાની દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
વિંછીયા પંથકમાં ગાંજાની ખેતી સામે પોલીસની કાર્યવાહીનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. બે દિવસ પહેલાં રાજકોટ રૂરલ એસઓજીની ટીમે દરોડો પાડી 705 કિલો ગાંજો ઝડપી લીધો હતો. ત્યારબાદ સ્થાનિક વિંછીયા પોલીસે વધુ 14 કિલો ગાંજો કબજે કર્યો હતો. હવે રાજકોટ રેન્જની ટીમે નાના માત્રા ગામમાંથી 15.400 કિલો ગાંજો ઝડપી પાડતાં 48 કલાકમાં ત્રીજી કાર્યવાહી નોંધાઈ છે. સતત મળી રહેલા ગાંજાના વાવેતરથી વિંછીયા પંથકમાં નશાના કારોબારની કડીઓ કેટલી વિસ્તરેલી છે અને તેની પાછળ અન્ય કેટલા લોકો સક્રિય છે તે તપાસનો મુખ્ય વિષય બન્યો છે.


