મોરબી નોકરીએ જતી 19 વર્ષીય યુવતીને કાળ બનીને કારે કચડી
વાંકાનેરના લાલપર નજીક પૂરઝડપે આવેલી કારે પ્લેઝર સ્કૂટરને અડફેટે લીધું; ગ્રાફિક ડિઝાઇનર હિતીક્ષા શુક્લાએ રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો, પરિવારમાં કલ્પાંત
અગ્ર ગુજરાત, રાજકોટ
વાંકાનેરથી મોરબી નોકરીએ જવા નીકળેલી 19 વર્ષીય યુવતી માટે રસ્તામાં જ કાળ બનીને આવેલા કારચાલકે તેનો જીવ લઈ લીધો હતો. લાલપર નજીક પૂરઝડપે ધસી આવેલી કારે સ્કૂટરને જોરદાર ટક્કર મારતાં યુવતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેરમાં ત્રિલોકધામ પાસે આવેલી ભાટિયા સોસાયટીમાં રહેતી હિતીક્ષા પરીક્ષિતભાઈ શુક્લા (ઉ.વ.19) મોરબી ખાતે ખાનગી કંપનીમાં ગ્રાફિક ડિઝાઇનર તરીકે નોકરી કરતી હતી. ગત તા.12ના રોજ તે રોજિંદા ક્રમ મુજબ પોતાનું પ્લેઝર સ્કૂટર લઈને મોરબી સ્થિત ઓફિસે જવા નીકળી હતી. દરમિયાન લાલપર નજીક પહોંચતા પૂરઝડપે આવેલી કારે તેના સ્કૂટરને અડફેટે લીધું હતું.
કારની જોરદાર ટક્કરથી હિતીક્ષાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, તેની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવી હતી. રાજકોટની હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતી હિતીક્ષાએ અંતે ગઈકાલે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતાં વાંકાનેર સિટી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હિતીક્ષા બે બહેનમાં મોટી હોવાનું જાણવા મળ્યું છે. નાની વયે પરિવારની જવાબદારી અને સપનાંઓ સાથે આગળ વધી રહેલી દીકરીનું અકસ્માતમાં મોત થતાં પરિવારમાં ભારે આક્રંદ અને શોકની લાગણી છવાઈ ગઈ હતી. પોલીસે કારચાલક સામે ગુનો નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


